ગુજરાત વિધાનસભાના ચાલું સત્ર દરમિયાન હોળીના દિવસે તમામ ધારાસભ્યો હોળી રમશે. વિધાનસભાના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બનશે કે તેના સંકુલમાં રંગોથી હોળી રમાઇ હોય. સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો એકબીજા સાથેની રાજકીય સ્પર્ધા ભૂલીને પ્રેમથી હોળી રમશે અને સાથે જમશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માટે અધ્યક્ષે મંજૂરી આપી દીધી છે. આ હોળીના કાર્યક્રમ માટે 100 કિલો કેસૂડાના ફૂલો મગાવવામાં આવ્યાં છે. કેમિકલ યુક્ત રંગોને બદલે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપશે. મંગળવારે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં આ હોળી રંગોત્સવ કાર્યક્રમ યોજાશે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયે એક ક્રિકેટ મેચનું આયોજન પણ કરવાનું વિચારાઇ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા સભ્યોની એક કે વધુ ટીમ બનશે. જો કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યો દરેક ટીમમાં સરખી રીતે વહેંચાશે.
આઇએસ અધિકારીઓ ક્રિકેટ મેચ રમશે કે કેમ તે પ્રશ્ન
ક્રિકેટ મેચ રમવા માટે વિધાનસભા આયોજન કરી રહી છે. જો કે, આ મેચમાં ભાજપના ધારાસભ્યો સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ક્રિકેટ મેચ રમશે,પણ આઇએએસ અધિકારીઓ ક્રિકેટ રમશે કે કેમ તે બાબતે આઇએએસ અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે. સૂત્રોના કહ્યા પ્રમાણે જૂનિયર આઇએએસ અધિકારીઓમાં કેટલાક ક્રિકેટના ખેલાડીઓ છે, સિનિયર અધિકારીઓમાં પણ કેટલાક અધિકારીઓ ક્રિકેટ રમવાના શોખીન છે,પણ ધારાસભ્યો સાથે ક્રિકેટ રમવા જોડાશે કે કેમ તે પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.