ડુપ્લીકેટ આધાર કાર્ડ થકી નકલી ચૂંટણી કાર્ડ ઈસ્યુ થયું!:ગાંધીનગરના ખેડૂતનું ડુપ્લીકેટ આધાર કાર્ડ - ચૂંટણી કાર્ડ બનાવી જમીન હડપ કરવાના કાવતરાંનો પર્દાફાશ, ટપાલ ઘરે પહોંચતા ભાંડો ફૂટ્યો

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના કુડાસણનાં ખેડૂતની જાણ બહાર ડુપ્લીકેટ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ બનાવી જમીન હડપ કરવાનું કાવતરૂ ઘડનાર અમદાવાદના ઈસમ વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટપાલ મારફતે આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ ઘરે આવતાં ખેડૂતને સમગ્ર કાવતરાની જાણ થઈ હતી.

ગાંધીનગરના કુડાસણ દરબાર વાસમાં રહેતા 63 વર્ષીય જીવણજી ગાંડાજી ચૌહાણની કુડાસણ સીમમાં વડીલોપાર્જીત જમીન આવેલી છે. જેમાં તેઓ ખેતી તથા પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 10/10/2022 નાં રોજ ઘરે પોસ્ટમેન દ્રારા ટપાલ આપવામાં આવી હતી. જે ટપાલ ખોલી જોતા જીવણજીનાં નામ-સરનામાનું આધારકાર્ડ અને પાનકાર્ડ હતા. જોકે, એમાં ફોટો બીજા કોઈનો જોઈને જીવણજી ચોંકી ઉઠયા હતા. જેથી તેમણે અસલ આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે ટપાલમાં આવેલ આધારકાર્ડ અને પાનકાર્ડની સરખામણી કરતા આ ટપાલમાં આવેલ આધારકાર્ડ અને પાનકાર્ડ ખોટા હોવાનું માલુમ પડયું હતું. તેમ છતા આ બાબતે તેમણે ગામમાં તપાસ કરીને ગામમાં અન્ય કોઈ ભળતા નામ વાળી વ્યક્તિ છે કે નહીં તેની ખાત્રી કરી હતી. બાદમાં ખોટા આધારકાર્ડ અને પાનકાર્ડમાં લખેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરતાં બંધ આવ્યો હતો. જેથી વધુ તપાસ કરતાં પાનકાર્ડની કીટમાં લખેલ મોબાઇલ નંબર હાલમાં ભરતજી છનાજી ઠાકોર (રહે. મકાન નં-સી/5,પારંતી આવાસ નરોડા) ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેની માહિતી એકઠી કરી રહ્યા હતા. ત્યારે ઘરે ફરીથી એક ટપાલ આવેલ. જેમાં જીવણજીનું ચૂંટણી કાર્ડ હતું. એમાંય ફોટો અન્ય કોઈ ઈસમનો હતો. જે મામલે સરકારી કચેરીમાં જઈ તેમણે તપાસ કરતાં ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરી ખોટું ચૂંટણી કાર્ડ બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આથી જીવણજીને અંદાજ આવી ગયેલો કે તેમની જમીન હડપ કરવાના ઈરાદે ઉક્ત દસ્તાવેજ બનવામાં આવ્યા છે.

બાદમાં તેમને જાણવા મળ્યું હતું કે,ભરતજી છનાજી ઠાકોર વિરુદ્ધ અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવાના ગુનામાં પકડાયેલ છે. આમ આખું કાવતરૂ બહાર આવતાં જીવણજીની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...