ગાંધીનગરના અડાલજ - પોર રોડ ઉપર ડમ્પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી પાછળથી બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માત પછી પણ ડમ્પરનાં ચાલકે બેફામ ગતિએ ટ્રક હંકારી રાખીને સામેથી આવતા અન્ય એક બાઇકને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર ભાઈ-ભાભીની નજર સામે જ નાના ભાઈનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે તેની પત્ની અને અન્ય એક વ્યક્તિને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી છે.
ગાંધીનગરનાં પોર ગામે રહી મજૂરી કામ કરતો કિશન ગલુભાઇ દંતાણી ગઈકાલે તા. 1 જાન્યુઆરીનાં રોજ સાંજના સમયે તેની પત્ની મનીષા સાથે એક્ટિવા લઈને અડાલજ નાસ્તો લેવા ગયો હતો. એ વખતે તેની સાથે તેનો નાનો ભાઈ અજય અને તેની પત્ની કાજલ પણ બાઈક ઉપર સાથે ગયા હતા. જ્યાં અડાલજ શ્રીનાથ પેટ્રોલપંપ પાસે નાસ્તો કર્યો કરી ચાઇનિઝ મંચુરિયન પાર્સલ કરાવી ઘરે પરત જવા નિકળ્યા હતા.
આ દરમિયાન અજય તેની પત્ની કાજલ સાથે બાઇક ઉપર આગળ જતો હતો અને કિશન પત્ની મનીષા સાથે એક્ટિવા ઉપર પાછળ હતો. ત્યારે પોર ગામની સીમ ઇંટોના ભઠ્ઠા નજીક સિમેન્ટના બ્લોકની ફેકટરી નજીક ડમ્પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી અજયના બાઇકને પાછળના ભાગેથી ટકકર મારી હતી. જેનાં કારણે કાજલ રોડ પર પટકાઈ હતી અને અજય બાઈક સાથે રોડ પર ઘસડાયો હતો.
તેમ છતાં ટ્રકના ચાલકે પોતાની ટ્રક હંકારી રાખી સામેથી આવતા અન્ય એક બાઈક ચાલકને પણ ટક્કર મારી હતી. જેથી તે પણ રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં અજયને ગંભીર ઈજાઓ થવાથી તે બેભાન થઈ ગયો હતો જ્યારે કાજલને પણ ઈજાઓ થઈ હતી. તે સિવાય અન્ય બાઇક ચાલક પણ ઘાયલ થયો હતો. ત્યારે અકસ્માત થતાં ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. અને મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અજયને મૃત જાહેર કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.