કન્યા કેળવણીની વાતો વચ્ચે અનોડિયા ગામમાં એસ ટી બસની સુવિધાના અભાવે ગામની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકતી નથી. જેને પરિણામે ગામમાંથી શાળા, કોલેજ અને આઇટીઆઇ, પોલીટેકનીક સહિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. ત્યારે ગામમાંથી એસ ટી બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી અનોડિયા ગ્રામ પંચાયતે વિજાપુર ડેપોને લેખિત રજૂઆત કરી છે.
એકપણ ગામનો છોકરો કે છોકરી શિક્ષણથી વંચિત રહે નહી તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દીકરીઓ ઉચ્ચ શિક્ષણ કરી શકે તે માટે પ્રાથમિક શાળાના શિક્ષણ સુધી બોન્ડ આપવામાં આવે છે. ત્યારે કન્યા કેળવણીની વાતો વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ગામની દીકરો આઇટીઆઇ, પોલીટેકનીક અને કોલેજનો અભ્યાસ કરી શકતી નથી.
કેમ કે અનોડિયા ગામમાંથી એસ ટી બસની કોઇ જ સુવિધા નહી હોવાથી ગામના પરિવારો દીકરાને ખાનગી વાહનમાં મોકલીને ઉચ્ચ અભ્યાસ કરાવે છે. પરંતુ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે મોકલતા નથી. ત્યારે અનોડિયા ગામની દીકરીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી અનોડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ વિજાપુર ડેપોમાં લેખિત રજુઆત કરી છે. અનોડિયા ગામના વિદ્યાર્થીઓને મહુડી, પિલવાઇ, વિજાપુર, રણાસણ તેમજ હિંમતનગર સહિતના વિસ્તારોમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે.
પરંતુ બસની સુવિધા નહી હોવાથી અનોડિયા ગામના છેલ્લોવાસ, વચલોવાસ, મુઘાસણિયા, બોરીયામાં બસ આવતી નહી હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં જવાની ફરજ પડી છે. જોકે અગાઉ ગામના આ વિસ્તારોમાં બસ આવતી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી બસ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી હોવાથી બસની સુવિધા શરૂ કરવાની માંગણી સાથે અનોડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ વિજાપુર ડેપોને લેખિત રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.