રાજીનામું:તા. પંચાયતના પ્રમુખનું રાજીનામું લેવાનું નાટક કોંગ્રેસને ભારે પડશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં ચાલી રહી છે

વિધાનસભાની આદર્શ આચારસંહિતાના કારણે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર થશે નહી એટલે મુદત પૂર્ણ થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેવી ચાલ સાથે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસની રાજીનામું લેવાના નાટક આગામી વિધાનસભાની તેમજ ગાંધીનગર તાલુકા પંચાયતની ચુંટણીમાં તેના માઠા પરિણામ ભોગવવા પડશે તેવી ચર્ચા ખુદ કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી રહી છે. દિવાળી પહેલાં ગમે ત્યારે રાજ્ય ચુંટણી પંચ દ્વારા રાજ્યના વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે તેવા ટાણે જ ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરનું રાજીનામું જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સવા-સવા વર્ષનું કમીટમેન્ટ કરવામાં આવ્યું હોવા છતાં છેક બે વર્ષ પછી ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખની રાજીનામું લેવામાં આવ્યું છે. જોકે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવાની સત્તા ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાને છે. આથી હાલમાં વિધાનસભાની ચુંટણીના માહોલમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવી શકાશે નહી.

જોકે સવા વર્ષે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપવું જોઇએ તેવી માંગ અન્ય સદસ્યોમાં ઉઠવા પામી હતી. તે વખતે તત્કાલિક જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગણીના વિરોધમાં કોંગ્રેસના અન્ય અગ્રણીઓએ રાજીનામું આપવા દીધું નથી. ત્યારે હવે રાજીનામું લેવાનું નાટક કરીને વિધાનસભાની આચારસંહિતામાં રાજીનામું મંજુર થશે નહી. જેને પરિણામે ગાંધીનગર તાલુકા પંચાયતની પાંચ વર્ષની ટર્મ પૂરી થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ આચારસંહિતા પૂર્ણ થતાં રાજીનામું મંજુર કરવાની કામગીરી એક માસ જેટલો લાગશે. ત્યારે માર્ચ-2023માં ગાંધીનગર તાલુકા પંચાયતની મુદત પૂર્ણ થતી હોવાથી દોઢ માસ માટે કોણ પ્રમુખ બનવા તૈયાર થાય તેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...