તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઘ-3 સર્કલ પાસે પીધેલી હાલતમાં કારચાલકે અકસ્માત સર્જતાં રોડ વચ્ચેનો પોલ તૂટી ગયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘ-૩ સર્કલ તરફથી વાવોલ તરફ જવાના રસ્તે પુરપાટ જઇ રહેલી કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વીજપોલ તોડી નાખતા અકસ્માત સર્જાયો હતો - Divya Bhaskar
ઘ-૩ સર્કલ તરફથી વાવોલ તરફ જવાના રસ્તે પુરપાટ જઇ રહેલી કાર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વીજપોલ તોડી નાખતા અકસ્માત સર્જાયો હતો
  • અકસ્માત એટલો ભયાનક હતો કે ડિવાઇડર સાથે ટકરાયા બાદ કારે 3 પલટી ખાધી

શહેરના ખુલ્લા રોડ પર રાત્રિના સમયે માતેલા સાંઢની જેમ યુવાનો વાહન હંકારતા હોય છે. જેના કારણે અનેક રાહદારીઓનું જીવન જોખમમાં મુકાય રહ્યુ છે. ત્યારે બુધવારે મોડી રાત્રે ઘ3 સર્કલથી ગ3 તરફ જતા સેક્ટર-6ના વળાંક પાસે એક કાર પુરપાટ ઝડપે હંકારતા વીજ પોલ સાથે ટકરાઇ હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે, ડીવાઇડર વચ્ચે લાગેલો વીજ પોલ ઉખડી જવા પામ્યો હતો. સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે નંબર વગરની સફેદ કલરની ઇટીયોસ કાર પુરપાટ ઝડપે ઘ3 સર્કલ તરફથી વાવોલ તરફ જઇ રહી હતી. તે દરમિયાન સેક્ટર 12/6ના કટ પાસે પહોંચતા જ કાર ડીવાઇડર સાથે ટકરાઇ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડીવાઇડર સાથે ટકરાયા બાદ રોડ વચ્ચે ડીવાઇડર પર લાગેલા વીજ પોલને ઉખેડી નાખ્યો હતો.

અકસ્માતનો ઘડાકો સાભંળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.ડીવાઇડર સાથે કાર ટકરાયા બાદ 3 વખત પલટી મારી ગઇ હતી. પરંતુ સદનશીબે કોઇને ઇજા થઇ ન હતી. બીજી તરફ સ્થાનિક લોકોની ચર્ચા મુજબ કારચાલકે ચિક્કાર દારૂ પીધેલો હતો, પરિણામે જ કાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો.

કારચાલક ભાજપના આગેવાનનો ભત્રીજો હોવાની ચર્ચા
અકસ્માત સર્જનાર કારચાલક ભાજપના આગેવાન અને બિલ્ડર બાબુ પટેલ(અશ્વમેઘ બિલ્ડર) જે પ્રાંતિજ વિધાનસભા બેઠક લડવા માટે અનેકવાર દાવેદારી કરી ચૂક્યા છે તેમનો ભત્રીજો હોવાની સ્થાનિકોમાં ચર્ચા સાંભળવા મળી હતી. જ્યારે સ્થળ ઉપરથી અશ્વમેઘ લખેલુ માસ્ક પણ મળી આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...