રોડ ક્રોસ કરતાં કાળ ભરખી ગયો:દહેગામ-રખીયાલ હાઇવે પર સરનામું પૂછવા નીચે ઉતારેલા ટ્રકનાં ડ્રાઇવરને મોત મળ્યું, અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર-ક્લીનર કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરવા માટે નીકળ્યા હતા

દહેગામ-રખીયાલ હાઇવે ઉપર ગઈકાલે રાત્રે કોલ્ડ સ્ટોરેજનું સરનામું પૂછવા માટે નીચે ઉતરેલા ટ્રકના ડ્રાઇવરને રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યો ટ્રક ચાલક અડફેટ મારીને ફરાર થઈ ગયો હતો. જેનાં કારણે ડ્રાઇવરનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરવા માટે નીકળ્યા હતા
રાજકોટના ઉપલેટા ખાતે રહેતો ખીમાનંદ આહીર લેલન ગાડીમાં કંન્ડક્ટર તરીકે છ દિવસથી નોકરી કરી રહ્યો છે. જ્યારે ગાડીમાં ધોળાજી તાલુકાના અનીલભાઈ બાબુલાલ ગજ્જર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. ગઈકાલે સોમવારે સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે ડ્રાઇવર-ક્લીનર ગાંધીનગરના અડાલજ ખાતેથી પેપર રોલ ખાલી કરી દહેગામના અહમદપુરા ગામ ખાતે આવેલ અમરદીપ કોલ્ડ સ્ટોરેજમાં બટાકા ભરવા જવા માટે નીકળ્યા હતા.

ડ્રાઇવર સરનામું પૂછવા નીચે નીચે ઉતર્યો
રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં દહેગામ શહે૨ વટાવી અહમદપુરા જતા હતા. તે દરમિયાન દહેગામ રખીયાલ હાઇવે ઉપર આવેલા પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજ આગળ જતા અમરદીપ કોલ્ડ સ્ટોરેજનું સરનામુ પુછવા ડ્રાઈવર અનીલ નીચે ઉતર્યો હતો અને કલીનર ખીમાનંદ ગાડીનો કાચ સાફ કરતો હતો.

રસ્તો ક્રોસ કરતા ડ્રાઈવરને અજાણ્યા ટ્રકે ટક્કર મારી
થોડીક વાર રહી ડ્રાઇવર હાઇવે ઉપર આવેલ છાપરે જઈ સરનામું પૂછીને પરત ટ્રક પાસે આવ્યો હતો. ત્યારબાદ ડ્રાઇવર લઘુશંકા કરીને આવું કહીને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન રખીયાલ તરફથી એક ટ્રકનો ચાલક પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી ડ્રાઈવર અનીલને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ડ્રાઇવરને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અકસ્માત થતાં જ ક્લીનર કાચ સાફ કરતાં કરતાં નીચે ઉતર્યો હતો. આ અકસ્માત થવાથી આજુબાજુમાંથી ઘણા બધા માણસો ભેગા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં દહેગામ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...