કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં ટ્રેકટરની પાછળ ગાયને દોરડાથી બાંધીને અમાનવીય અત્યાચાર ગુજારતો વિડિઓ વાયરલ થતાં જીવદયા પ્રેમીઓ ટ્રેકટર ચાલક સહિતના ઈસમો સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના ગૌરક્ષક પ્રમુખની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસે ટ્રેકટર ચાલક સહિતના માણસો સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
કલોલ પંચવટી વિસ્તાર અવધપુરી સોસાયટીમાં રહેતાં નવીનભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના ગૌ રક્ષક પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. જેમણે કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 3 ડિસેમ્બરના રોજ સાંજના સમયે વિશ્વ હિન્દુ પરિષદના ગ્રુપમાં એક વિડિઓ વાયરલ થયો હતો. જે વિડિઓમાં ટ્રેકટર નંબર GJ-18B-3413 ની પાછળ એક કાળી ગાયને દોરડાથી બાંધીને ટ્રેકટરનો ચાલક તથા પાછળ બેઠેલા બે ઈસમો ઘસડીને લઈ જતાં હતાં.
જેમાં ગાયને અમાનવીય રીતે ઘસડીને લઈ જવાતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. ટ્રેકટરની પાછળ ગાયને દોરડાથી બાંધીને ઘસડવામાં આવતાં ગાય થાકીને બેસી જાય છે. તેમ છતાં ચાલકે ટ્રેકટર હંકારી રાખ્યું હતું. જેનાં કારણે ગાયને શરીરે ઈજાઓ થવા પામી છે. છતાં પણ ટ્રેકટર ચાલક સહીતના માણસોએ અત્યારચાર ગુજાર્યો હતો.
આ વિડીયો મામલે નવીનભાઈ પટેલે તપાસ કરતા છત્રાલ ડેનીસ કંપની સામે આવેલ સર્વિસ રોડનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમણે કલોલ તાલુકા પોલીસ મથકમાં પહેલા અરજી આપી હતી. જે તપાસના અંતે કલોલ તાલુકા પોલીસે ઉક્ત ટ્રેકટર નંબરના ચાલક સહિતના અજાણ્યા માણસો વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.