સુવિધા દુવિધા બની:સે-16માં સરકારી આવાસના રિનોવેશન બાદ ટપકતું પાણી

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરના માળે મકાનો રિનોવેશન કરીને અપાયેલી સુવિધા દુવિધા બની

સરકારી કર્મચારીઓના આવાસોમાં વેઈટિંગ ઘટાડવા માટે પાટનગર યોજના વિભાગ દ્વારા જૂના મકાનોનું રિનોવેશન કરાય છે. ત્યારે અનેક સ્થળે રિનોવેશન કરેલા આવાસોમાં યોગ્ય રીતે કામગીરી કરાતી ન હોવાની ફરિયાદો અનેક વખત ઉઠે છે.

ક્યાંક જૂની દિવાલોનું પ્લાસ્ટર જ ખોલ્યા વગર જ કલર મારી દેવાની તો ક્યાંક નાખવામાં આવતી વસ્તુઓ તકલાદી નખાતી હોવાની ફરિયાદો ઉઠે છે. ત્યારે સેક્ટર-16 ખાતે જૂદા પ્રકારની ફરિયાદ સામે આવે છે. અહીં બ્લોક નંબર-87 ખાતે ઉપરના માળે આવેલા આવાસોનું રિનોવેશન કરવામાં આવ્યું છે.

જોકે રિનોવેટ કરાયેલા આવોસમાંથી ટોઈલેટ અને બાથરૂમનું પાણી સતત નીચેના ઘરે પડે છે. સતત પડતાં પાણી અંગે રહેવાસી દ્વારા સુવિધા કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિત ફરિયાદો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ દિશામાં ધ્યાન અપાતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેને પગલે સરકારી આવાસમાં રહેતો પરિવાર ટોઈલેટ-બાથરૂમના પડતા પાણીથી પરેશાન થઈ ગયો છે.

બીજી તરફ લાંબા સમયથી સતત પડતાં પાણીને પગલે પાછળની ગેલેરીમાં રહેલ છજાને ભાગ પડી જાય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ દિશામાં પગલાં લેવા માંગ ઉઠી છે. ઉલ્લેખનિય છે કે 8 મહિના અગાઉ સેક્ટર-17 ખાતે સરકારી આવાસ રિનોવેટ કર્યાના થોડા જ દિવસોમાં છતમાંથી પોપડા પડતાં મહિલા અને નાનુ બાળક ઈજાગ્રસ્ત થયું હતું. જેમાં એક જ મહિનામાં રિનોવેશન થયેલા ઘરમાં છતમાંથી પોપડા પડતાં કામગીરી સામે સવાલો ઉભા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...