રજૂઆત:ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ કરો

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદસ્ય અનિલ પટેલે ડીડીઓને લેખિત રજૂઆત કરી

હાલમાં વરસાદી મોસમ ચાલી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થાય છે ત્યારે ભરાઈ રહેલા પાણીના તાત્કાલિક નિકાલ કરવાની માંગણી ઊઠી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતી જગ્યાએ દવાનો છંટકાવ કરવા જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા હોય છે. આથી તે વિસ્તારમાં રહેતા લોકોને અવરજવર ઉપર અસર પડે છે. ઉપરાંત વરસાદી પાણીમાંથી પસાર થવાની સ્થિતિ ઊભી થાય છે. વરસાદી પાણી ભરાવાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે.

આથી આવી સ્થિતિ ઊભી ન થાય અને ગ્રામજનોનું આરોગ્ય ન જોખમાય તેવું આયોજન કરવું જોઈએ. તેમ છતાં જે ગામોમાં વરસાદી પાણી ભરાતું હોય તેવાં ગામોમાંથી યુદ્ધના ધોરણે ભરાઈ રહેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી છે.

વધુમાં જિલ્લાના ગામોમાં ગંદકી તેમજ વરસાદી પાણીના નિકાલ બાદ રોગચાળો થાય નહી તે માટે યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવાની માગણી કરી છે. ઉપરાંત વરસાદના કારણે જિલ્લાના ગામોના માર્ગો ઉપર પડેલા ખાડાને તાત્કાલિક અસરથી યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે તેવું આયોજન કરવા તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવાની માંગણી જિલ્લા પંચાયતના સદસ્ય અનિલ પટેલે કરી છે.

લાંબા સમય સુધી પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી જવાની સંભાવનાને પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના હોવાથી દવા છંટકાવ સહિતની કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં કરવા સદસ્યે લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...