ગુડાની નવી ત્રણ ટીપીઓને રાજ્ય સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. જોકે હાલમાં ડ્રાફ્ટ ટીપી તરીકે મંજુરી આપવામાં આવી છે. ત્યારબાદ પ્રિલિમરી અને ફાઇનલ મંજુરી તબક્કાવાર આપવામાં આવશે. જોકે ગુડા દ્વારા નવી મંજુરી થયેલી ડ્રાફ્ટ ટીપીમાં રસ્તાઓ, લાઇટ, પાણી અને ગટરની કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પોતાના 18 જેટલા ગામોનો ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુડાની શહેરી વિસ્તારની તમામ ટીપીઓ હવે મનપા વિસ્તારમાં જતી રહેવાથી ગુડાએ નવી ત્રણ ટીપીની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરી હતી.
જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ટીપી નંબર-23 અડાલજ, ટીપી નંબર-31 વલાદ અને ટીપી નંબર 32 પાલજને ડ્રાફ્ટ ટીપી તરીકે મંજુરી આપવામાં આવી છે. નવી મંજુર થયેલી ડ્રાફ્ટ ટીપીમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે અંગે પુછતા ગુડાના ટાઉન પ્લાનર ઓફિસર જે. કે. ત્રિવદીએ જણાવ્યું છે કે હાલમાં માત્ર રસ્તા, ગટર, લાઇટ, અને પાણીની પાઇપ લાઇનની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ આગામી સમયમાં તબક્કાવાર ટીપીને પ્રિલિમરી અને ફાઇનલ મંજુરી રાજ્ય સરકારમાંથી આપવામાં આવશે.
ડ્રાફ્ટ ટીપીમાં કરવામાં આવનાર કામગીરી
ગુડાની અડાલજ, વલાદ અને પાલજની ટીપીને રાજ્ય સરકારે ડ્રાફ્ટ ટીપી તરીકે મંજુરી આપી છે. આથી તેમાં હાલમાં 45 મીટર, 30 મીટર, 24 મીટર અને 18 મીટરના રસ્તાઓ ખોલવામાં આવશે. રસ્તાઓ ખોલ્યા બાદ ગટર અને પાણીની લાઇન નાંખવામાં આવશે.
પ્રિલીમરી મંજૂરી મળતા ગુડાને પ્લોટ મળશે
ગુડાને મળેલી નવી ત્રણ ટીપીને પ્રિલીમરી મંજુરી મળ્યા બાદ તેમાં પ્લોટ પાડવામાં આવશે. તેમાં રીઝર્વ પ્લોટ સત્તા મંડળને મળશે. માલિકીના પ્લોટ સત્તા મંડળને મળવાથી તેમાં કોમર્શિયલ, રહેણાંક, બગીચા, લગ્નવાડી, આરોગ્ય સહિતના પ્લોટીંગ કરવામાં આવશે.
ગુડાની નવી ત્રણ ટીપીને ફાઇનલ મંજુરી મળવાથી ટીપી પહેલાં પ્લોટના ભાવ, ટીપી પછી પ્લોટના ભાવ તે નક્કી કરવામાં આવશે. તેમાંથી ભાવમાંથી 50 ટકા માલિકીને અને 50 ટકા ભાવનો લાભ ગુડાને મળશે. ટીપીના ધારકોને ખર્ચ ભોગવવા સહિતની તૈયારી રાખવી પડશે. ગુડા દ્વારા ગાંધીનગર આસપાસના 18 જેટલા ગામોનો મહાપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.