ગુજરાતમાં કોરોના કાબૂમાં:રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ 50 હજારથી વધુ કોવિડ-19 બેડ પૈકી 90 ટકાથી ઉપર બેડ ખાલી : ડૉ. જયંતી રવિ

ગાંધીનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણથી બચાવીને નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પરિણામલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ 50 હજારથી વધુ કોવિડ-19 બેડ પૈકી 90% થી ઉપર બેડ ખાલી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો
તેમણે ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ 7992 થી વધુ બેડની સામે હાલ 606 જેટલા દર્દીઓ દાખલ છે જ્યારે 7,386 જેટલા બેડ ખાલી છે. વડોદરા શહેરમાં પણ 5,870 બેડની સામે 1,011 દર્દીઓ દાખલ છે. જ્યારે કે 4,800થી વધુ બેડ ખાલી છે. વડોદરા શહેરમાં આઈ.સી.યુ.માં પણ 800થી વધારે બેડ હાલ ઉપલબ્ધ છે. સુરત જિલ્લામાં 7,783 બેડની સામે 234 દર્દીઓ દાખલ છે અને 7,549 જેટલા બેડ ખાલી છે. આમ, રાજ્યમાં જોવામાં આવે તો હોસ્પિટલોમાં 50 હજારથી વધુ કોવિડ-19 બેડ પૈકી મોટાભાગના એટલે કે 90% થી ઉપર બેડ ખાલી છે જે બતાવે છે કે હાલ રાજ્યમાં કોવિડ-19 રોગનું પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોર કમિટિની બેઠકમાં લીધેલા નિર્ણયોથી સફળતા
ડૉ. રવિએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 મહિનાથી મળી રહેલી કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને તેમના અમલીકરણ થકી નાગરિકોને સુરક્ષિત કરવાના કારણે આ સફળતા મળી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અને નાગરિકો દ્વારા મળેલ વ્યાપક જનપ્રતિસાદને પરીણામે રાજ્યમાં સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યુ છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરી
તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં સાજા થવાનો દર 94.82% છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ- 2,36,323 દર્દીઓએ કોરોનાએ મ્હાત આપી છે. રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યામાં ખુબજ ઘટાડો નોંધાયો છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને તેના પરિણામે કોવિડ-19 સબંધિત હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં વધારો જોવા મળેલા છે.

અન્ય સમાચારો પણ છે...