મોનીટરીંગ:ગાંધીનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીનું મોનીટરીંગ કરાશે, ત્રણ ઝોનમાં 2500 પોઈન્ટ નિયત કરાયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચરાની ગાડી ક્યાં રૂટ પરથી કચરો ઉઠાવે છે તે સહિતની ગતિવિધિ વોચ રાખવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂકો અને ભીનો કચરો વર્ગીકૃત નહીં કરનાર ઘરની કચરો ઉપાડવાની કામગીરી સોમવારથી સ્થગિત કરી દેવાનો નિર્ણય કરાયો છે ત્યારે ગાર્બેજ કલેક્શનની કામગીરી કરતી ગાડીઓનું મોનીટરીંગ કરવા માટે ત્રણ ઝોન પાડીને 2500 જેટલા પોઈન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેનાં પગલે હવે વસાહતીની સાથોસાથ ગાર્બેજ ગાડીનું સતત મોનીટરીંગ કરવામાં આવનાર છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાંથી એકઠો કરવામાં આવતાં કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. એક અંદાજ મુજબ દરરોજ ગાંધીનગરમાંથી 100 ટન કચરો એકઠો કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરમાં અત્યાર સુધી કચરો ઉપાડવાની કામગીરી પર મોનીટરીંગ રાખવામાં આવતું ન હતું. ત્યારે ઘણા ઘરોથી કચરો લેવામાં આવતો ન હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેનાં પગલે મ્યુનિસિપલ કમિશનર ડો. ધવલ કુમાર પટેલ દ્વારા એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

જે અંતર્ગત ગાંધીનગરના 1 થી 30 સેકટર તેમજ કોર્પોરેશનમાં નવા ભળેલા ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ પર પણ વોચ રાખવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. એમાંય ન્યુ ગાંધીનગર વિસ્તારમાં કચરાની ગાડીઓ દ્વારા નિયમિત કચરો લેવામાં આવતો ન હોવાની પણ વ્યાપક ફરિયાદો કોર્પોરેશન તંત્ર પાસે પહોંચી હતી.

ગાંધીનગરમાં કચરો ઉપાડવાની કામગીરી કરતી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવતી કામગીરી સુધી મોનીટરીંગ કરવા માટે શહેરને ત્રણ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં ઝોન - 1 માં 646,ઝોન - 2 માં 800 અને ન્યૂ ગાંધીનગર વિસ્તાર એટલે કે ઝોન - 3 સૌથી વધુ 1040 એમ કુલ 2500 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.

જેનાં પગલે હવેથી ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીઓની ગતિ, ક્યાં વિસ્તારમાંથી કચરો ઉપાડ્યો અને કેટલી માત્રામાં કચરો એકઠો થયો સહિતની દરેક બાબતોનું સીધું મોનીટરીંગ કરવામાં આવશે. બીજી તરફ નગરજનોને પણ સૂકો અને ભીનો કચરો અલગથી વર્ગીકૃત કરી આપવા માટે વારંવાર સૂચનો પણ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.

ઘણાખરા લોકો સૂકો અને ભીનો કચરો ભેગો કરીને કોર્પોરેશનની ગાડીને આપતા હોવાથી તેને ખાતરમાં પરિવર્તિત કરવાની લાંબી અને ખર્ચાળ પધ્ધતિ બની ગઈ હતી. જેનાં કારણે કોર્પોરેશન તંત્ર પર આર્થિક ભારણ પણ પડતું હતું. ત્યારે હવે આ સમસ્યાના નિરાકરણ માટે સોમવારથી કચરો અલગ અલગ ડોલમાં વર્ગીકૃત કરીને નહીં આપનાર ઘરની સેવા બંધ કરવાનો પણ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. આમ ગાંધીનગર માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કામગરી વધુ સઘન બનાવવાના ભાગરૂપે કચરાની ગાડી તેમજ નાગરિક દ્વારા આપવામાં આવતા કચરાનું પણ મોનીટરીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...