કોંગ્રેસ ચિંતન શિબિરમાં ઠરાવ:ગુજરાત ચૂંટણીમાં મંદિર-મસ્જિદ, ચર્ચ કે અન્ય ધાર્મિક સ્થળોએ ફરવું નહીં

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘બૈર’ બઢાતે મંદિર-મસ્જિદ
  • કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વથી દૂર રહેશે, મંદિર-મસ્જિદ જવાથી કોંગ્રેસના મતદારો ભ્રમિત, ગુજરાત-રાજસ્થાનની ચૂંટણીમાં રાહુલ અને યુપી વખતે પ્રિયંકાએ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી
  • મંદિર-મસ્જિદની મુલાકાતોથી ચૂંટણીઓમાં કોંગ્રેસને લાભ નહીં થયાનો કોંગી નેતાઓનો મત
  • ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરના વચ્ચે પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખડની સોશિયલ મીડિયામાં વીડિયો જારી કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત

ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં પ્રચારયાત્રાની શરૂઆત રાહુલ ગાંધીએ દ્વારકાધીશ મંદીરથી કરી હતી અને તે સહિત કુલ 27 મંદિરોમાં મુલાકાતો કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી જનોઇ ધારી હિંદુ હોવાની વાત પાર્ટીના નેતા રણદિપ સૂરજેવાલાએ કરી હતી. આશ્ચર્યજનક રીતે હવે પાર્ટીએ આ વલણથી સાવ 180 અંશના ખૂણે ટર્ન લઇને રાજસ્થાનમાં યોજાયેલી ચિંતન શિબિરમાં નક્કી કર્યું છે કે કોંગ્રેસના કોઇ પણ મોટા નેતા ધાર્મિક સ્થળની મુલાકાત નહીં લે અને પક્ષ તેની બિનસાંપ્રદાયિક છબિ જ જાળવી રાખશે. કોંગ્રેસે નોંધ્યું કે નેતાઓની મંદિર-મસ્જિદની મુલાકાતનો ચૂંટણીઓમાં રાજકીય ફાયદો થયો નથી.

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ આવી રહી છે. પક્ષના સૂત્રો જણાવે છે કે નેતાઓએ આ દરમિયાન નોઁધ્યું કે મંદિરો કે મસ્જિદોની મુલાકાતને કારણે પાર્ટીની ઇમેજનું ધોવાણ થયું છે અને તેનાથી કોંગ્રેસના પરંપરાગત મતદાતાઓ દૂર જઇ રહ્યા છે. ચિંતન શિબિરમાં આ મુસદ્દો રજૂ કરાયો છે અને તેમાં સ્પષ્ટ જણાવાયું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓની કોઇપણ ધર્મસ્થળની મુલાકાતને કારણે જનતામાં સાચો સંદેશ જતો નથી.

રાહુલ ગાંધીએ માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાં તથા પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશની ચૂંટણી વખતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રવાદની થીયરીને પણ અહીં પ્રસારિત કરવાનો મુસદ્દો રજૂ કરાયો હતો. ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દે કોંગ્રેસ સામે ચૂંટણીમાં પ્રચાર અભિયાન ચલાવે છે, તેની સામે કોંગ્રેસ હવે ભારતની આઝાદી, બાંગ્લાદેશનું સર્જન સહિતના મુદ્દાઓને આગળ ધરશે, તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે.

સોમનાથ મંદિરની મુલાકાતમાં રાહુલે પોતાને બિન હિંદુ મુલાકાતી ગણાવ્યા હતા
ગુજરાતની ગઇ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત દ્વારકાધીશ મંદિરથી શરૂ કરી હતી. તે પછી તેમણે સોમનાથ, ખોડલધામ, ઊંઝા ઉમિયા માતા મંદિર, કબીર મંદિર, અંબાજી મંદિર, જગન્નાથ મંદિર, અક્ષરધામ, ચોટીલા ચામુંડા માતા મંદિર, શંખેશ્વર જૈન મંદિર, વીર મેઘમાયા મંદિર સહિતના 27 મંદિરોની મુલાકાત લીધી હતી. સોમનાથ મંદિરની મુલાકાત વખતે તેમણે મંદિરના મુલાકાતી રજિસ્ટરમાં પોતે બિન હિંદુ મુલાકાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેને કારણે વિવાદ પણ થયો હતો.

એ.કે. એન્ટોનીએ જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિક ઇમેજના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે...
2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પીઢ નેતા એ કે એન્ટોનીએ કહ્યું હતું કે કોંગ્રેસને તેના બિનસાંપ્રદાયિક હોવાની છબિને કારણે મોટું નુક્સાન થઇ રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વની લહેર ઊભી કરીને મતદાતાઓને રીઝવ્યા હતા અને જીત મેળવી હતી, તેનાથી વિપરીત કોંગ્રેસ હિંદુઓ અને ધર્મસ્થાનોથી અંતર જાળવે છે તે ખોટું છે. આ પછી રાહુલ ગાંધીએ ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોની ચૂંટણીઓમાં મંદિરોની મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...