બેદરકારી:શિહોલીમોટીમાં રાત્રે 8 ડ્રોન ઉડ્યા છતાં જિલ્લા પોલીસ અંધારામાં

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સતત 4 દિવસથી ડ્રોન ઊડી રહ્યા છે

ગાંધીનગર જિલ્લામા છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમા એક નહિ પરંતુ 8થી 10 ડ્રોન ગ્રામ્ય વિસ્તારમા ઉડતા જોવા મળે છે. ત્યારે થોડા દિવસ પહેલા દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન ઉડ્યા હતા. ત્યારે ગત રાત્રે તાલુકાના શિહોલી મોટી ગામમા 8થી 10 ડ્રોન ઉડ્યા હતા. જેને લઇને ગ્રામ્ય વિસ્તારની જનતા ભયભીત બની ગઇ હતી. જ્યારે જિલ્લા પોલીસ આ બાબતે હજુ પણ અંધારામા જોવા મળી રહી છે.

અલકાયદા દ્વારા હુમલાની ધમકી અપાઈછે ત્યારે શુ પોલીસ ડ્રોન દ્વારા તપાસ કરી રહી છે ? રાત્રિએ ડ્રોન દ્વારા શુ તપાસ કરાતી હશે ? તેવા પણ સવાલો ગ્રામ્ય વિસ્તારમા થઇ રહ્યા છે. શિહોલી મોટી ગામમા બુધવારની રાત્રે 10 ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.

રાત્રિના 9 વાગ્યાથી લઇને 11 વાગ્યા સુધી ડ્રોન ઉડતા જોવા મળતા હતા. જેને લઇને ખેતરમા રહેતા લોકોમા કૂતુહલ સાથે ડર જોવા મળતો હતો. ખેતરમા રહેતા ખેડૂતે કહ્યુ હતુ કે, રાત્રિના સમયે ડ્રોન ઉડતા જોવા મળતા અમે ચિંતામા આવી ગયા હતા.

જ્યારે ડ્રોન પાલજ તરફ આવેલા સાબરમતિ નદીના કિનારાથી લઇને લેકાવાડા, આલમપુર અને શિહોલી વિસ્તારમા જોવા મળતા હતા. એક શિક્ષિત ખેડૂતે નામ નહિ આપવાની શરતે કહ્યુ હતુ કે, જો જાહેર જગ્યાએ ફોટોગ્રાફી કરવા ડ્રોન ઉડાડવાનુ હોય તો પોલીસની મંજૂરી લેવી પડે છે.

તેવા સમયે ચાર દિવસથી જિલ્લામા વિવિધ જગ્યાએ ડ્રોન ઉડી રહ્યા છે, છતા જિલ્લા પોલીસ તપાસ કરતી હતી. આ બાબતે જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલનો ટેલીફોનિક સંપર્ક કરાયો હતો, જ્યારે ડ્રોન બાબતે પૂછતાછ શરૂ કરતા જ તેમણે મીટીંગમા હોવાનુ કહીને ફોન કટ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...