ચુસ્ત પોલીસ બંદોબસ્ત:માણસાનાં ઇટાદરા ગામે સગીરાની છેડતી બાબતે બે કોમ વચ્ચે ધિંગાણું થતાં જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • મંદિરમાં જાતરનો કાર્યક્રમ ચાલતો હતો એ દરમિયાન તોફાની તત્વોએ LED સ્ક્રીન તોડી નાખી
  • સામે પક્ષે બીજા જૂથે છેડતી કરનાર યુવકનું બાઈક સળગાવી દેતા ગામમાં તંગદિલી છવાઈ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામે 14 વર્ષીય સગીરાની છેડતી બાબતે બે કોમના જુથો વચ્ચે ગઈકાલે રાત્રે માથાકૂટ થતાં જોતજોતામાં તોડફોડ અને આગચંપીની ઘટનાનું નિર્માણ થતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જેનાં પગલે જિલ્લા પોલીસનો કાફલો રાત્રે જ પહોંચી ગયો હતો અને ફૂટ પેટ્રોલીંગ કરીને સ્થિતિને વધુ વણસે એ પહેલાં તોફાની તત્વોને ઝડપી લેવાયા હતા. આજે બીજા દિવસે પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ બંને પક્ષે સમાધાનકારી ફોર્મૂલા અપનાવવામાં આવી રહી છે.

માણસાનાં ઇટાદરા ગામે સગીરાનાં ફોટા પાડી છેડતીની ઘટના બનતા ગામમાં બે કોમ વચ્ચે ધિંગાણું થયું હતું. જેનાં કારણે એક કોમનાં જુથે હાથમાં તલવારો, ધોકા તેમજ ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે મોઢે માસ્ક ધારણ કરીને બીજા જુથ પર હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેનાં પગલે ગામમાં ભય વ્યાપી જવા પામ્યો છે. બે કોમ વચ્ચે ધિંગાણું ચાલતું હોવાની જાણ થતાં ગામમાં રહેતો 25 વર્ષીય ઈન્દ્રસિંહ રાણા કરિયાણાની દુકાન બંધ કરીને ઘરે જવાની તૈયારી કરતો હતો.

એ વખતે અચાનક જ હાથમાં તલવાર, ધારીયા અને ધોકા જેવા હથિયારો લઈને ગામનો ફિરોઝખાન અહેમદખાન પઠાણ, ફરદીન ફિરોઝખાન, રાજખાન ફિરોઝખાન, સાહિલ આરીફમિયાં શેખ, અસપાક જાકીરમિયાં બેલીમ, દીલાવર અહેમદખાન પઠાણ સહિત 10 જેટલું ટોળું ધસી આવ્યું હતું અને ઈન્દ્રસિંહે જેની સાથે ઝગડો થયો તેની જોડે જવાનું કહેતા રાજખાન પઠાણ એકદમ ઉશ્કેરાઇ જઈ ધારિયું બાઈકની સીટ પર માર્યું હતું. જેથી કરીને બાઈકની સીટ તૂટી ગઈ હતી.

ફિરોઝખાને તલવારનો ઘા કરતા ઈન્દ્રસિંહે હાથ વચ્ચે લાવી દેતા તે લોહી લુહાણ થઈ ગયો હતો. ત્યારે ફિરોઝખાન કહેવા લાગેલો કે આજે તો કોઈને પણ જીવતા રાખવાના નથી. બાદમાં ઈન્દ્રસિંહે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેનાં કારણે ઉક્ત ટોળું પલાયન થઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ઈન્દ્રસિંહને સારવાર અર્થે લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે જોયેલું કે ગામના મંદિરની LED તોડી નાખી એક બાઈકને આગ લગાવી દેવાઈ છે. આ ટોળું વેલ્ડિંગ ની દુકાનમાંથી ઘાતક હથિયારો લઈને નીકળ્યું હોવાની પણ વધુમાં તેને જાણ થઈ હતી.

આ હુમલામાં ઈન્દ્ર સિંહને છ ટાંકા હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં આખી જિલ્લા પોલીસનો કાફલો રાત્રે ગામમાં પહોંચી ગયો હતો. અને ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી સ્થિતિ ને કાબુમાં લઈ લીધી હતી. આજે બીજા દિવસે પણ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઉક્ત ટોળા વિરુદ્ધ માણસા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...