પ્રજાસત્તાક પર્વ માટે આયોજન:ગાંધીનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી રામકથા મેદાન સેકટર-11 ખાતે કરાશે, ગૃહ રાજ્યમંત્રી સલામી આપશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સ્થળની પસંદગી કરવામાં આવી

ગાંધીનગર જિલ્લામાં તા. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાન, સેકટર- 11 ખાતે યોજાશે. ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપશે.

ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગરના સેકટર- 11માં આવેલા રામકથા મેદાનમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમ્યાન એસ.ઓ.પી.ના માર્ગદર્શનનું સંપૂર્ણ પાલન થાય તે રીતે મહાનુભાવો અને અન્યની બેઠક વ્યવસ્થા કરવાનું કલેકટરે સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમજ આ કાર્યક્રમના સ્થળે પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સુશોભન જેવી અનેક બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.

પ્રજાસત્તાક પર્વના સુચારું આયોજન માટે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટર રીતુ સિંગ, નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસના નિયામક દેવાંગી દેસાઇ, ડી.વાય.એસ.પી. એમ.જે. સોલંકી, કલોલ પ્રાંત અધિકારી એ.ડી.જોષી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...