રજુઆત:ટ્યુશનિયા શિક્ષકોની સામે પગલાં લેવામાં જિલ્લા શિક્ષણ તંત્ર વામણું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટનગરની શાળાના ટ્યુશનિયા શિક્ષકોના નામ, શાળાનું નામ, ટ્યુશન કરાવતા સ્થળના સરનામા સાથે પંદરેક દિવસ અગાઉ લેખિત રજુઆત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કરવામાં આવી હતી. તેમ છતાં જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા ટ્યુશનિયા શિક્ષકોની સામે પગલાં નહી લેવાતા તંત્ર દ્વારા ટ્યુશનિયા શિક્ષકોને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરાંત રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓને આવા ટ્યુશનિયા શિક્ષકોને પકડીને નિયમોનુંસાર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરની જ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો ખાનગીમાં ટ્યુશન કરીને તગડી આવક કરી રહ્યા છે.

તેમ છતાં ટ્યુશનિયા શિક્ષકોની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી નગરના જાગૃત્ત નાગરિક દશરથસિંહ ખેરે કઇ કઇ શાળાના કોણ કોણ શિક્ષકો કઇ કઇ જગ્યાએ કયા કયા વિષયનું ટ્યુશન કરે છે. તે અંગેની લેખિત રજુઆત ગત તારીખ 20મી, જૂનના રોજ શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવલ, શાળાઓના કમિશ્નર, શિક્ષણ બોર્ડ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કર્યાને પંદરેક દિવસ જેટલો સમય થવા છતાં ટ્યુશનિયા શિક્ષકોની સામે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...