ગાંધીનગર મનપા ચૂંટણી:જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પોતાના માદરે વતન પેથાપુર ખાતે સહપરિવાર મતદાન કર્યુ, મતદારોનો આભાર વ્યક્ત કર્યો

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્યસિંહ ડાભીએ પોલીસ પ્રશાસન અને ભાજપના કાર્યકરોને આડેહાથ લીધા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગના મહા સંગ્રામમાં 11 વોર્ડની 44 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ પોતાના માદરે વતન પેથાપુર ખાતે સહપરિવાર મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 32 કરતા વધારે કોર્પોરેટરો જીતીને આવશે એવા વિશ્વાસ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગાંધીનગર મહાનગર પાલિકાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં ડાભીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની શેહ અને દબાણમાં જિલ્લાનું વહીવટી તંત્ર આજરોજ કામ કરતું હોય તેવું જણાતું હતું. પોલીસ પાર્ટીનો પણ આજરોજ દુરુપયોગ થવા પામ્યો હતો.

ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો અને ચૂંટણીના નિયમોનો છડેચોક ભંગ કર્યો છે. જેની કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફરિયાદો રજુ કરી હતી. આમ, પોલીસ પ્રશાસન અને ભાજપ કાર્યકરોની મિલીભગતથી લોકશાહીનું પર્વ આજે લજવાયુ છે, તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જણાવ્યું હતું.

ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. જે પૈકી 144 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. આ મતદાન મથકો ઉપર સ્થાનિક પોલીસની સાથે એસઆરપી જવાનોને પણ ફરજ સોપવામાં આવી હતા. વોર્ડ દીઠ નજર કરીએ તો વોર્ડ નં.1માં 7, વોર્ડ નં.2માં 8, વોર્ડ નં.3માં 14, વોર્ડ નં.4માં 16, વોર્ડ નં.5માં 21, વોર્ડ નં.6માં 17, વોર્ડ નં.7માં 24, વોર્ડ નં.8માં 4, વોર્ડ નં.9માં 10, વોર્ડ નં.10માં 2 અને વોર્ડ નં.11માં 6 મથકો સંવેદનશીલ, જ્યારે વોર્ડ નં.2ના 2 અને વોર્ડ નં.4માં 4 જેટલા મતદાન મથકો અતિ સંવેદનશીલની યાદીમાં મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...