ત્રીજી લહેરને આમંત્રણ:કોરોના વચ્ચે પણ ગાંધીનગર સિવિલમાંથી PMYJ(માં કાર્ડ)નું વિતરણ, અરજદારોમાં વ્યાપક રોષ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા દસ દિવસથી કાર્ડનું વિતરણ શરૂ કરાયું

કોરોનાની વૈશ્વિક મહામારી હજી ચાલી રહી છે ત્યારે PMJY(માં કાર્ડ)નું વિતરણ કલેક્ટર કચેરીની જગ્યાએ છેલ્લા દસ દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભેગા થતા અરજદારોમાં સિવિલમાંથી કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી ધ્વારા સિવિલ તંત્રને લેખિતમાં રજૂઆત કરીને સત્વરે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં માંગણી કરવામાં આવી છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી ગાંધીનગર શહેર ત્રાહિમામ પોકારી ઉઠયું છે. કોરોનાની બીજી લહેરમાં સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ જવા પામી હતી. સિવિલ હોસ્પિટલમાં બે ત્રણ કિલો મીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેનાં કારણે દર્દીઓને સમયસર સારવાર માટે વલખાં મારવા પડ્યા હતા. સિવિલમાં સારવાર માટે વેઇટિંગ ચાલતું હોવાથી દર્દીઓ રીતસર નાં દર્દીઓ રઝળી પડ્યાં હતાં.

સિવિલમાં દાખલ દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી જવાથી નગરજનો સિવિલમાં સારવાર લેવા જવા માટે પણ ખચકાટ અનુભવતા હતા. સિવિલની ગંભીર સ્થિતિ હજી સુધી નગરજનો ભૂલી શક્યા નથી. ત્યારે તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ચાલતી PMJY (માં કાર્ડ) વિતરણની સુવિધા બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

PMJY કાર્ડ વિતરણની વ્યવસ્થા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી આપવાની શરૂઆત છેલ્લા દસેક દિવસથી કરવામાં આવી રહી છે. જેનાં કારણે અરજદારો ભૂતકાળની સિવિલ હોસ્પિટલની હાલત જોઈને સિવિલમાં જતાં પણ ફફડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી પોતાને કોરોનાનું સંક્રમણ લાગી જશે. તેવો ડર અરજદારોને સતાવી રહ્યો છે. વળી મોટી સંખ્યામાં અરજદારો એકઠા થઈ જતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી.

આ અંગે આમ આદમી પાર્ટીના મહામંત્રી રણવીર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા દસેક દિવસથી PMJY કાર્ડ નું વિતરણ સિવિલમાંથી કરવામાં આવી રહ્યું હોવાથી અરજદારો કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને સિવિલમાં દોડતા થઇ ગયા છે. હજી કોરોના ગયો નથી એવા સંજોગોમાં સિવિલમાંથી સંક્રમણ લાગવાની અરજદારો ને ડર સતાવી રહ્યો છે. સિવિલમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન પણ નહીં થતું હોવાના કારણે પણ સંક્રમણ ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ત્યારે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ને લેખિત રજૂઆત કરી સત્વરે ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના આરોગ્ય મિત્ર ભાવેશભાઈએ જણાવ્યું હતું કે સોફ્ટવેરની યાંત્રિક ખામીના કારણે નવા કાર્ડ માટે એનરોલમેન્ટ થતું નથી. રિન્યુઅલ પ્રોસેસ સરળ રીતે થઈ જાય છે. ગવર્મેન્ટ હોસ્પિટલ લખેલું હોવાથી જિલ્લાના ગામડાઓમાંથી લોકો અહીં દોડી આવતા હોય છે. હકીકતમાં સ્થાનિક પીએચસી સેન્ટરમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. પણ બધા અહીં જ આવતા હોવાથી ભીડ એકઠી થઈ જાય છે. વધુમાં કાર્ડ ચાલુ છે કે બંધ તે જાણવા માટે સોફ્ટવેરમાં કાર્ડ નાખવું પડે છે તે બાદ જ અરજદારનું કાર્ડ ચાલુ છે કે બંધ તેનો ખ્યાલ આવતો હોય છે. જેના કારણે પણ તેમને એક વાર તો સેન્ટર પર આવવું જ પડે છે. સોફ્ટવેરના ઈસ્યુના કારણે બધી સમસ્યા થઈ રહી છે જેના માટે સંબંધિત વિભાગમાં જાણ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...