• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Distribution Of 17.20 Lakh Seedlings Of 85 Different Types Of Plants Started In Gandhinagar District, 70 Thousand Seedlings Of Tulsi Were Taken To Nagaraj

હરિયાળી ઝુંબેશ:ગાંધીનગર જિલ્લામાં 85 જાતના વિવિધ પ્રકારના 17.20 લાખ છોડના રોપાનું વિતરણ શરૂ, તુલસીના 70 હજાર રોપા નગરજનો લઈ ગયા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 15 જુલાઈ સુધીમાં છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવશે

ગાંધીનગરને હરિયાળું બનાવવાના ભાગરૂપે વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 15 જુલાઈ સુધીમાં 85 જાતના જુદા જુદા 17.20 લાખ છોડના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પર્યાવરણ દિનથી શરૂ થયેલી આ ઝુંબેશનાં પગલે છેલ્લા અઠવાડિયા સુધીમાં ઓક્સિજન માટે આશીર્વાદ રૂપ ગણાતી તુલસીના 70 હજાર જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

રોપાઓ ગાંધીનગર જિલ્લામાં વિતરણ કરવાનું આયોજન

કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતા નગરજનોને કુદરતી ઓક્સિજનની કિંમત સમજાઈ ચૂકી છે. ગાંધીનગર વન વિભાગ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ ગાંધીનગર જિલ્લામાં વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેક્ટર 30, સેક્ટર 17, આદિવાડા, પાલજ સહિતની નર્સરીમાંથી નગરજનોને વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ગાંધીનગર શહેરમાં 11 લાખ રોપાઓ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદને લગતા વિવિધ રોપાનું વધુમાં વધુ વિતરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તે સિવાય જિલ્લાની માણસા, દહેગામ અને કલોલની નર્સરીમાં પણ રોપાઓ આપવામાં આવી રહ્યાં છે.

વર્ષે વૃક્ષારોપણને સારો પ્રતિસાદ મળ્યો

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા માટે એકમાત્ર વૃક્ષારોપણ ઉકેલ હોવાથી 17.20 લાખ રોપા વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે લોકોને વૃક્ષો ઉછેરવાનું મહત્વ સારી રીતે સમજાયું છે. ત્યારે આ વર્ષે વૃક્ષારોપણને સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો પોતાના ઘર કે દુકાન તેમજ ખેતરની આસપાસની ખુલ્લી જગ્યામાં વાવેતર કરીને ઉછેર કરી શકે એ માટે રોપાઓ મફત આપવામાં આવી રહ્યાં છે. તે સિવાય વન વિભાગ દ્વારા ખુલ્લી જગ્યાઓમાં તેમજ રોડની બન્ને સાઇડમાં વૃક્ષોરોપણની કામગીરી કરવામાં આવતી રહે છે.

ઉંચી જાતના રોપાઓ પણ નોમીનલ કિંમતમાં આપવામાં આવી રહ્યાં છે

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો ગ્રીનસીટીનો દરજજો જળવાઈ રહે અને રહેણાંક વિસ્તારો, ફાર્મ હાઉસ અને ખેતરો સહિતની જગ્યાઓમાં મોટાપ્રમાણમાં વૃક્ષોના ઉછેર માટે વનવિભાગે જુદી-જુદી નર્સરી અને કેન્દ્રો પરથી રોપાઓનું મફત વિતરણ કરવાનું શરુ કર્યું છે. આ વનવિભાગના DCF એસ.એમ.ડામોરે જણાવ્યું હતું કે, દરેક તાલુકા કક્ષાએ તેમજ મનપા વિસ્તારમાં આવેલી ફોરેસ્ટ ઓફિસ કે સરકારી નર્સરીમાંથી કોઈપણ નાગરીકો આ રોપાઓ વિનામુલ્યે મેળવી શકે છે. 17 લાખમાંથી 3 લાખથી વધુ રોપાઓ ફ્રી અપાશે. કેટલાક ઉંચી જાતના રોપાઓ પણ નોમીનલ કિંમતમાં આપવામાં આવી રહ્યાં છે. રોપાની વાવણીની સાથે-સાથે ઉછેર થાય તેની તકેદારી રાખવાની વન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે.

ગ્રામ્ય વિસ્તારો કરતાં વખતે શહેરીજનોમાં ભારે ઉત્સાહ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીના પગલે આ વખતે ઓક્સિજન મેળવવા માટે સૌથી વધુ અકસીર માનવામાં આવતી તુલસીના જ 70 હજાર જેટલા રોપાઓનું અત્યાર સુધીમાં વિતરણ થઈ ચૂક્યું છે. ગ્રામ્ય વિસ્તારો કરતાં આ વખતે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 15 જુલાઈ સુધીમાં અભિયાન ચલાવીને વધુમાં વધુ લોકો રોપાનું વિતરણ કરે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...