રાહત:મનપાના વોર્ડ નંબર-7ના સેવાસેતુ કાર્યક્રમમાં 1784 અરજીનો નિકાલ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વિભાગના પ્રશ્નોનો એક જ જગ્યાએ ઉકેલ કરવાથી રાહત

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7ના રહિશોના પ્રશ્નો માટે કચેરીમાં ધક્કા ખાવા પડે નહી તે માટે સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ પ્રશ્નોની 1784 અરજીઓનો તાત્કાલિક અસરથી સેવાસેતુ કાર્યક્રમમાં જ નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્નો તેઓને ઘર આંગણે ઉકેલવા માટે સેવાસેતુનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેનાભાગરૂપે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સેવાસેતુનો કાર્યક્રમ વોર્ડ નંબર-7 ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નંબર-7ના લોકોને સરકારી યોજનાઓનો લાભ ઘરે બેઠા આપવામાં આવ્યો હતો. તેમાં પીએમજેવાય, રસીકરણ સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર-7ના રહિશોએ 1784 જેટલી અરજીઓ રજૂ કરી હતી. તમામ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત 3700 જેટલા લાભાર્થીઓને કોઇ જ તકલીફ પડે નહી તેવી રીતે કામગીરી કરવા માટે તમામ વિભાગોના સ્ટોલની મનપાના મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે મુલાકાત લઇને સુચના આપી હતી.

સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે હેતુથી ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસેતુનો કાર્યક્રમ સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી ચાલ્યો હતો. અરજદારોની કામગીરી મફત થાય તે રીતે આયોજન કરીને અરજીઓનો તાકિદે નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...