સ્કૂલો ક્યારે ખૂલશે?:દિવાળી પછી ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ કરવાની ચર્ચા, ઓડ-ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવી શકે છે

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 1થી 8ની સ્કૂલો શરૂ કરવાની કોઈ ઉતાવળ ન હોવાનો શિક્ષણ વિભાગ અને શાળા- સંચાલકોનો સ્પષ્ટ અભિપ્રાય
  • ગુજરાતમાં મોટા ભાગના ધંધા-રોજગાર શરૂ થઈ ગયા તો સ્કૂલો વિશે પણ વિચારવાનો મત
  • દેશનાં બીજાં રાજ્યોએ પણ સ્કૂલો ખોલવાની શરૂઆત કરી દીધી છે
  • શિક્ષણ વિભાગ દ્વારા સંચાલકો, જિલ્લા શિક્ષણાધિકારીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, આરોગ્ય વિભાગ સાથે ચર્ચા તેમજ અભિપ્રાય-સૂચનો લેવાનું શરૂ કરાયું

ગુજરાતમાં કોરોનાને કારણે બંધ થઇ ગયેલી શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હવે રાજ્યમાં ધીમે ધીમે રોજગાર-ધંધા થાળે પડી રહ્યા છે, બજારો પણ શરૂ થઈ રહ્યાં છે, એ સંજોગોમાં હવે શાળાઓ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલુ થઈ છે. દિવાળી બાદ ધોરણ 9થી12 શરૂ કરવા, એ પણ ઓડ-ઇવેન જેવી પદ્ધતિ સાથે શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ગામડાંમાં પણ માધ્યમિક શાળા શરૂ કરવાની વાત ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર
ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાના મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ તબક્કામાં ચર્ચાઓ શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. આમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં એવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના સંકેતો આપ્યા છે. ધો.1થી 8ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી પણ સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.

સ્કૂલ શરૂ કરવામાં સૌથી મોટી મુશ્કેલી સોશિયલ ડિસ્ટન્સની
ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે દેશનાં બીજાં રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામ-ધંધા શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્ચાનમાં રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ.

ઓછી સંખ્યાવાળી સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી શકાશે
દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો,. આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધો.9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ, તેવો સંકેત આપી આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...