વીજ કરંટથી મોત:વલાદની સીમમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત થયાનો ખુલાસો, બે સામે ગુનો દાખલ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં તારની વાડમાં ઝાટકા મશીનથી વીજ પ્રવાહ ચાલુ કર્યો હતો

ગાંધીનગરનાં વલાદ ગામની સીમમાં એપ્રિલ મહિનામાં યુવાનનું મોત ખેતરમાં તારની વાડમાં ઝાટકા મશીનથી વીજ કરંટ ચાલુ કરવાથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ તેમજ વીજ વિભાગની તપાસમાં બહાર આવતા ડભોડા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર વલાદ ગામ ખાતે રહેતા જશુભાઈ શંકરભાઈ દંતાણીના પરિવારમાં પત્ની તેમજ છ સંતાનો છે. ઘેટા બકરા પશુ પાલનનો વ્યવસાય કરતા જશુભાઈનો સૌથી નાનો પુત્ર સંજય( ઉ 18) ઘરેથી ઘેટા બકરાનું દૂધ ભરાવા ચાલતા ચાલતા વલાદ ગામની સીમના ખેતી થઈ ફિરોઝપુર ગામે દૂધ ભરાવવા માટે ગયો હતો.

દૂધ ભરાવીને ઘરે પરત આવતી વખતે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વલાદ ગામની સીમ નટુભાઈ સરદારભાઈ ઠાકોર અને તેના ભાગ્યા તરીકે કામ કરતા દીપકભાઇ ભગવાનદાસ નાયક ખેતરના શેઢે તારની વાડને અડી જવાથી સંજયનું મોત નીપજ્યું હતું.

આ અંગે ડભોડા પોલીસ મથકમાં એપ્રિલ મહિનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉક્ત ઈસમોએ ઝાટકા મશીનથી વીજ પ્રવાહ તારની વાડમાં ચાલુ કર્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ અંગે જીઈબીની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.

વિદ્યુત નિરીક્ષક દ્વારા પણ ઝટકા મશીન થકી વીજ પ્રવાહ વહેતો કરવાથી યુવક ને કરંટ લાગ્યાનું નકારી શકાય નહીં તેવો રિપૉર્ટ આપ્યો હતો.જેનાં પગલે પોસ્ટમોર્ટમ રિપૉર્ટ અને વીજ વિભાગની તપાસના અંતે ઉક્ત ઈસમો વિરુદ્ધ ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.