આંતરિક જૂથવાદ:ગાંધીનગર કોર્પોરેશન વોર્ડ નં-9ના બે મહિલા કોર્પોરેટરોનાં પતિઓનો વિખવાદ ચરમસીમાએ, વોટ્સઅપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કોર્પોરેશનમાં મહિલા કોર્પોરેટરોનાં પતિ વહીવટ કરતા હોવાનો વિરોધ પક્ષના નેતાનો ખુલ્લો આક્ષેપ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-9ના બે મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે ચાલતો વિવાદ બહાર આવ્યો છે. જેનાં વોટ્સઅપ ચેટનાં સ્ક્રીન શોર્ટ વાયરલ થતાં વિરોધ પક્ષના નેતા અંકિત બારોટે કોર્પોરેશનમાં મહિલા કોર્પોરેટરના પતિઓ જ વહીવટ કરતા હોવાનો ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરનાં રાજકારણમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે એવું નથી, પણ ભાજપમાં પણ આંતરિક જૂથવાદ વકરી રહ્યો હોવાનો પુરાવો ખુદ કોર્પોરેશનના મહિલા કોર્પોરેટરોના પતિઓએ આપ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર-9ના અલ્પાબેન કૌશિકભાઈ પટેલ અને શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી મહિલા કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે. આ બે મહિલા કોર્પોરેટરોના પતિઓ વચ્ચે છેલ્લાં ઘણાં દિવસોથી શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. જે વોટ્સઅપના વાયરલ થયેલા મેસેજોથી બહાર આવી ચૂક્યો છે.

ગાંધીનગરના કોર્પોરેટરોના વોટ્સએપ ગ્રુપમાં બે મહિલા કોર્પોરેટરના પતિઓના અંદરો અંદર ચાલતા વિખવાદના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. આ બંને મહિલા કોર્પોરેટરના પતિ કૌશિક પટેલ અને સુનિલ ત્રિવેદી વચ્ચે વોટ્સએપ ગ્રુપમાં બાખડી પડ્યા હતા. ગાંધીનગરના કુંડાસણ વિસ્તારમાં નવો બોર બનાવવાની વાતને લઇને બંને મહિલા કોર્પોરેટરના પતિઓ વોટ્સએપ ગ્રુપમાં બાખડ્યા હતા.

બંને મહિલા કોર્પોરેટરના પતિઓએ જશ ખાંડવાની બાબતને લઇને ગ્રુપમાં વિખવાદ ઉભો કર્યો હતો. જે બાદ ગાંધીનગર મનપાના કોર્પોરેટરોના વોટ્સએપ ગ્રુપમાં બંને મહિલા કોર્પોરેટરના પતિઓના અંદરો અંદરના વિખવાદના વોટ્સએપ ચેટના સ્ક્રીન શોર્ટ વાયરલ થયા છે. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ વોર્ડ નંબર નવમાં ભાજપના કોર્પોરેટરો રાજુભાઈ સંકેતભાઈ અને અલ્પાબેન પટેલની સામે શૈલાબેનના પતિ સુનિલભાઈ ત્રિવેદીનો મનભેદ અને મતભેદ છે.

આ ત્રણેય કોર્પોરેટર કરતા શૈલાબેન તરફથી વહીવટ કરતા તેમના પતિ તેમના સ્વભાવના કારણે સુનિલભાઈ ત્રિવેદી અલગ તરી આવે છે. નવો બોર બનાવવા બાબતે ત્રણે કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈને રજૂઆત કરવા છતાં પણ શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી દ્વારા ફરીથી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને પોતે વોર્ડ નંબર નવમાં બીજા ત્રણ કોર્પોરેટર કરતા વધારે કાર્યશીલ છીએ તેવું જણાવવા માટે અને બીજા ત્રણ કોર્પોરેટરોને નીચું દેખાડવા માટે તેમને કમિશનરને લેટર પાઠવ્યો હતો. જે બાદ વોટ્સઅપના ગ્રુપમાં ચાર કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેનાં સ્ક્રીન શોટ વાયરલ થયા છે.

આજે કોર્પોરેશનના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અંકિત બારોટે ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, મનપામાં ભાજપના મહિલા કોર્પોરેટરોનાં પતિઓ જ વહીવટ કામગીરી કરતા હોય છે. ભૂતકાળમાં પણ જૂની બોડી હતી એ વખતે પણ મહિલા કોર્પોરેટરોના પતિઓ જ કામગીરી કરતા હતા. તાજેતરમાં જ તેમના જ વડાપ્રધાને કહેલું કે, મહિલાઓ વહીવટ કરે તેમના પતિનો કોઈ હસ્તક્ષેપ ના હોવો જોઈએ. વડાપ્રધાનની વાત પણ ભાજપના કોર્પોરેટરો ઘોળીને પી ગયા છે. આ લોકો પ્રજાના પ્રશ્નો માટે નહીં પણ પોતાના અસ્તિત્ત્વની લડાઈ માટે અંદરોઅંદર લડી રહ્યા રહ્યા છે. જે શરમજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...