તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાન્સિંગ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ:ગાંધીનગરમાં વરસાદની સંતાકૂકડી વચ્ચે ધોળા કૂવા, રાયસણ અને સરગાસણના રસ્તા ધોવાઈ ગયા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી નુકસાન ગ્રસ્ત રસ્તાને ડામરનાં થીગડા મારીને નવા રૂપરંગ આપી નગરજનોને છેતરવામાં આવી રહ્યા છે

ગાંધીનગરમાં ત્રણ દિવસથી શરૂ થયેલી વરસાદની સંતાકૂકડી વચ્ચે સામાન્ય વરસાદમાં જ ધોળાકૂવા, રાયસણ અને સરગાસણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા ઊબડખાબડ બની ગયેલા ડાન્સિંગ રસ્તાથી રાહદારી વાહનચાલકો તેમજ સ્થાનિક વસાહતીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે દર વર્ષે વરસાદી સિઝનમાં ધોવાઈ જતાં રસ્તાઓ પર તંત્ર દ્વારા ડામરના થીગડા મારીને નગરજનોને છેતરવામાં આવી રહ્યા હોવાનો ઘાટ ઘડાયો છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 32 ટકા જ વરસાદ પડ્યો છે. હજુ પણ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણી જોવા જઈએ તો 68 ટકા વરસાદની ઘટ છે. જોકે વરસાદની શરૂઆત ત્રણ દિવસથી થઇ છે ત્યારે વધુ વરસાદ થવાની શકયતા છે. ગાંધીનગરમાં વરસાદી મૌસમ જામી છે પણ વરસાદ સંતા કૂકડી રમીને આવ જા કરી રહ્યો છે.

એવામાં ત્રણ દિવસથી પડી રહેલા સામાન્ય વરસાદમાં જ ધોળાકૂવા સ્વામિનારાયણ ધામ સ્કૂલ વિસ્તારનાં રોડ ધોવાઈ જવા પામ્યા છે. એજ રીતે રાયસણ પેટ્રોલ પંપ થી ગામ તરફનો રસ્તો અને સરગાસણ વિસ્તારનાં પણ રોડનું પેચ વર્ક ઉખડી ગયું છે. જેનાં કારણે રોડમાં ઠેર ઠેર ખાડા પડી જવા પામ્યા છે.

નગરજનો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્ષ ઉઘરાવીને સુદ્રઢ પ્રાથમિક સુવિધા આપવાના દાવાની પોલ દર ચોમાસા ની જેમ આ વર્ષે પણ તંત્રની પોલ ખુલી જવા પામી છે. રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા હોવાથી પાણીના ખાબોચિયાં ભરાઈ જવા પામ્યા છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનેલાં માર્ગોનું સમારકામ કરવામાં નહીં આવતાં ચોમાસાની મોસમમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે મસ મોટા ખાડા પડી ગયા છે.

જેના પગલે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને અકસ્માતના ભયે પસાર થવું પડે છે. તેમજ ડાન્સિંગ રોડના કારણે રાહદારી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક વેપારી નરેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે સમયસર રસ્તાનું રીસરફેસીંગ કરવામાં નહીં આવતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ચોમાસાની સિઝનમાં રસ્તામાં પડી ગયેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે. જેનાં કારણે રાહદારી વાહનચાલકોને ખાડા દેખાતા નથી.

જે ભવિષ્યમાં વાહન ચાલકો માટે નુકસાન કારક સાબિત થઈ શકે એમ છે. તંત્ર દ્વારા બિસ્માર રસ્તાને ડામરના થીગડા મારીને સંતોષ માની લેવામાં આવે છે. પણ કરોડો રૂપિયા એડવાન્સ ટેક્ષ તંત્ર ઉઘરાવી લેતું હોવા છતાં રોડની યોગ્ય રીતે મરામત કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...