અનલોક:સવા મહિને ભગવાને ભક્તનાં દર્શન કર્યાં, વેપાર-ધંધાને ઓક્સિજન મળ્યો, જીમ-હોટેલ -રેસ્ટોરાંમાં ચહેલપહેલ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દોઢેક મહિનાથી ગ્રાહકો માટે બંધ હોટેલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, જિમ શુક્રવારથી ધમધમતા થયા હતા. ગ્રાહકો વચ્ચે મંદિરનો માર સહન કરતાં હોટેલ-રેસ્ટોરાં સંચાલકોએ સવારે 9થી સાંજ 7 વાગ્યા સુધી બેસવાની ક્ષમતાના 50 ટકા ગ્રાહકોની છૂટથી કેટલાક અંશે રાહત થઈ હતી. બીજી તરફ હોટેલોને રાત્રે 9 વાગ્યા સુધી ટેકઅવે અને 12 વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટથી પણ મંદ પડેલા વેપારમાં હાલ થોડા પ્રાણ ફુંકાયા છે. બપોરના સમયે અનેક હોટેલમાં જમવા માટે અનેક લોકો પહોંચ્યા હતા.

જેને પગલે હોટેલમાંથી બહાર જતાં ફૂડ પાર્સલોમાં 40 ટકા જેટલો ઘટાડો થયો હતો. જોકે સાંજના સમયે 7 વાગ્યા સુધી જ છૂટ હોવાને પગલે હોટેલ સંચાલકોને સાંજના વેપારમાં બહુ ફાયદો થયો નથી. એટલે એકંદરે અત્યાર સુધી જે વેપાર થતો હતો તેમાં થોડોઘણો જ વધારો હોટેલ-રેસ્ટોરાં સંચાલકોને થયો છે. મનપામાં 31 હોટેલો અને 675 જેટલી રેસ્ટોરન્ટ છે. જેમાંથી અનેક હજુ સુધી શરૂ થઈ નથી, જેને પગલે એકંદરે ખાણી-પીણી બજારમાં અંદાંજે 35 લાખ જેટલો વકરો થયો હોવાનું અનુમાન છે.

સીડીઓ ભલે માંડ ચઢાય, દર્શન તો કરવાં જ પડે!
કોરોનાને પગલે ઘણા સમયથી મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે શુક્રવારે પંચદેવ, રૂપાલ, ગિયોડ, ધોળેશ્વર મહાદેવ સહિતના મંદિરો ભક્તો માટે ખૂલ્યા હતા. પંચદેવ ખાતે સિડીઓ માંડ ચઢી શકતાં વડીલ દર્શન માટે ભાવ-વિભોર થઈને દર્શન માટે જતાં જોવા મળ્યા હતા. ડભોડા સ્થિતિ હનુમાન મંદિર આજથી ભક્તો માટે શરૂ થઈ ગયું છે. મંદિરોમાં પણ ભક્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ માથે દર્શન કરતાં નજરે પડ્યાં હતા.

7 વાગ્યા સુધીની છૂટથી અનેક હોટેલ હજુ બંધ
હોટેલ-રેસ્ટારાંમાં ખરો વેપાર સાંજ 7 વાગ્યા પછી જ હોય છે, ત્યારે હાલ 7 વાગ્યા સુધી જ બેસવા દેવાની છૂટ હોવાથી અનેક લોકોએ હજુ હોટેલો શરૂ કરી જ નથી. તો અનેક હોટેલ-રેસ્ટોરાંમાં હજુ રાજ્યબહારના કર્મચારીઓ આવ્યા જ ન હોવાથી તેઓએ કામ શરૂ કર્યું નથી. અંદાજે 30થી 35 ટકા હોટેલ-રેસ્ટોરાં હાલની બંધ છે.

પ્રેક્ષકો નહીં આવે ની બીકે થિયેટરો હજુ બંધ
કોરોના કાળમાં લાંબા સમયથી બંધ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સ હજુ પણ બંધ રખાયા છે. હાલની સ્થિતિમાં થિયેટર્સને સારી કમાણી કરી આપે તેવી કોઈ ખાસ ફિલ્મ નથી. જુના કે ગુજરાતી મુવી ચલાવીને થિયેટર્સ શરૂ કરવાનો અખતરો કોરોનાની પહેલી લહેર પછી અનેક થિયેટર્સ સંચાલકો કરી ચૂક્યા છે. જેમાં ખર્ચો પણ ન નીકળતો હોવાને પગલે હાલની સ્થિતિમાં થિયેટર્સ બંધ રહ્યાં છે.

જિમમાં લોકો પ્રથમ દિવસથી જ આવતા થયા
લાંબા સમયથી બંધ જિમમાં પહેલાં દિવસથી હેલ્થ કોન્સિસિયન્સ લોકો આવતા થયા હતા. જોકે પહેલાં જે રીતે જિમમાં કસરતબાજોનો જમાવડો રહેતો હતો તેવી સ્થિતિ આવતા હજુ સુધી થોડો સમય લાગે તેમ છે. જોકે એકદરે કેપિસિટી કરતાં 50 ટકાની હાજરી સાથે છૂટ મળતાં જિમ સંચાલકોને રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...