ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ એક પછી એક સંગઠનો પોતાની પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉમટી રહ્યા છે. જેનાં ભાગરૂપે આજે આશા વર્કરો પણ ફિક્સ પગારની માંગણીઓ સંદર્ભ ધરણાં કરવા આવે એ પહેલાં જ અગાઉથી ચારે દિશામાં ગોઠવાયેલી પોલીસ દ્વારા સાંજ સુધીમાં એક હજારની અટકાયત કરી લેવામાં આવી છે.
ગુજરાતના આંગણવાડી કેન્દ્રોમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ મામલે છેલ્લાં ઘણાં સમયથી આશા વર્કરો દ્વારા સરકાર સામે મોરચો માંડીને પડતર માંગણીઓનો નિકાલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી આશા વર્કરોની માંગણીઓ બાબતે કોઈ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવ્યું નથી.
રાજ્યના આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે પીડા આપી છે ! કોવીડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે આશા વર્કરને માત્ર દૈનિક રૂ 33 અને ફેસીલીએટરને દૈનિક રૂ 17 અપાય છે તે મશ્કરી સમાન છે, એરીયર્સ સાથે રૂ 300 દૈનિક ચુકવવા ઉપરાંત ફિક્સ પગારની માંગણી ઘણા લાંબા સમયથી પડતર છે.
જે અન્વયે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આશા વર્કરોએ ધરણાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે આશા વર્કરો ધરણા પ્રદર્શન કરે એ પહેલાં જ ગાંધીનગર પોલીસ દ્વારા સવારથી જ ચારે દિશામાં દોડધામ કરીને સાંજ સુધીમાં 1000 જેટલી આશા વર્કરોની અટકાયત કરી લેવાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.