ગાંધીનગરના કોટેશ્વર સ્થિત ગુરુકુળ દ્વારા મોરબી હોનારતમાં નિરાધાર બનેલા બાળકોને મફત અભ્યાસ કરાવશે. કાલુપુર નરનારાયણ દેવ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામા આવે છે. ત્યારે સંસ્થા મોરબીમાં નિરાધાન બનેલાનો આધાર બનશે. જેમાં ધોરણ 1થી 12 ગુજરાતી માધ્યમમાં બાળકોને મફત શિક્ષણ આપશે. જરુરિયાતવાળા બાળકોના વાલીઓએ સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. હાલમાં સંસ્થામાં કોરોના બાદ નિરાધાર બનેલા 14 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
બાળકોને વિનામૂલ્યે અભ્યાસ
સંસ્થાના રામ સ્વામીએ કહ્યું હતું કે,‘શિક્ષણ મોંઘુ બની ગયુ છે, ત્યારે માતા-પિતા વિહોણા બાળકો આર્થિક ભીંસના કારણે અભ્યાસ અધૂરો છોડી દે છે. પરિણામે તેવા બાળકનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જાય છે. ત્યારે નાણાં અને માતા પિતાના અભાવે કોઇ બાળકનું ભવિષ્યના બગડે તે માટે નિરાધાર બાળકોને અમે શિક્ષણ પુરુ પાડીશું. જે બાળકે અભ્યાસ કરવો હોય તે બાળકના વાલીએ સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે.’ જોકે કાલુપુર સંસ્થાની સહજાનંદ ગુરુકુળમાં માત્ર પુરુષ જાતિને રાખવામાં આવે છે. ત્યારે મોરબી હોનારતમાં નિરાધાર બનેલા માત્ર પુરુષ જાતિના બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવશે.
ગુરુકુળમાં અભ્યાસમાં બાળકોની સંખ્યાની કોઇ મર્યાદા નથી
સંસ્થાએ જાહેર કર્યુ છે કે, મોરબી બ્રિજ હોનારતમાં અનેક લોકોના મોત થયા છે. નાના મોટા અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે હોનારતમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને સંસ્થામા વિનામૂલ્યે શિક્ષણ આપવામા આવશે. તે ઉપરાંત સંસ્થામા રહેવા અને જમવાની સગવડ પુરી પાડવામા આવશે. જેમાં સંખ્યાની કોઈ મર્યાદા હાલ ગુરુકુળ દ્વારા નક્કી કરાઈ નથી. તમામ બાળકોને અભ્યાસ કરાવાશે.
અભ્યાસ કરતા બાળકોને સન્યાસી બનવાનું કોઇ બંધન નથી : રામ સ્વામી
કોટેશ્વર ગામમાં આવેલી સહજાનંદ ગુરુકુળના રામ સ્વામીએ કહ્યું હતું કે,‘ કાલુપુર નરનારાયણ દેવ સંસ્થા સંચાલિત સહજાનંદ ગુરુકુળમાં આચાર્ય મહારાજ કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજનાં આશીર્વાદથી છેલ્લા 7 વર્ષથી સંસ્થામા નિરાધારા બાળકોને મફત શિક્ષણ પુરુ પાડવામા આવે છે. પરંતુ બાળકોનો અભ્યાસ પુરો થાય પછી તે ઇચ્છે તે લાઇન પકડી શકે છે. તે ઉપરાંત સંસ્થામા અભ્યાસ કરતા બાળકોને સન્યાસી જ બનવું તેવું કોઇ બંધન નથી.’ સહજાનંદ ગુરુકુળમાં અનેક બાળકો અભ્યાસ કરે છે.
બાળકોને શિક્ષણ આપવાનું અભિયાન હાથ ધર્યુ
પરંતુ નિરાધારા બાળકોને અભ્યાસ કરાવવો જોઇએ તેવો વિચાર 7 વર્ષ પહેલા આવતા શિક્ષણ આપવાનું શરુ કર્યુ હતું. જેમાં શરુઆતમાં 3 બાળકો હતા, જ્યારે કોરોનામા અનેક લોકોના મોત થયા હતા. જેથી બાળકો નિરાધાર બની ગયા હતા. કેટલાક લોકોની નોકરી છુટી ગઇ હતી. તેવા સમયે બાળકોને શિક્ષણ આપવાનું અભિયાન હાથ ધર્યુ હતુ. બાળકોને મફતમાં શિક્ષણ આપીને તેઓને પગભર બનાવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.