રોષ:પેથાપુરમાં બસનું સ્ટોપેજ છતાં દિવ્યાંગને બસમાં ન બેસાડાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર જતી બસના કંડક્ટરની કામગીરી સામે રોષ

આ બસ પેથાપુર જશે નહી એટલે બેસવું નહી તેમ અમદાવાદથી વિસનગર જતી બસના કંડક્ટરે દિવ્યાંગ મુસાફરને જણાવ્યું હતું. જોકે અન્ય મુસાફરે વિરોધ કરતા કંડક્ટરે દિવ્યાંગ મુસાફરને બેસાડીને પેથાપુર ખાતે ઉતારવામાં આવ્યા હતા. કંડક્ટરોની આવા મનસ્વી વલણથી એસ ટી નિગમની મુસાફરના મનમાં ખોટી છાપ ઉભી થાય છે. આથી આવા કંડક્ટરની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉઠવા પામી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેકવિધ યોજનાઓ બનાવી છે. જેમાં દિવ્યાંગ મુસાફરોને મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે. ઉપરાંત કેટલા મફત મુસાફરીવાળા મુસાફરો હતા.

તેની જાણ એસ ટી નિગમને થાય તે માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જોકે દિવ્યાંગ મુસાફરોને લગતા ચાર્જ સરકારમાંથી આપવામાં આવે છે. તેમ છતાં એસ ટી બસના અમુક કંડક્ટરોના કારણે એસ ટી નિગમની યોજનાના લાભથી મુસાફરો વંચિત રહેતા હોય છે.

આવો જ બનાવ તાજેતરમાં બનવા પામ્યો હતો. અમદાવાદથી વિસનગર જતી બસ નગરના ડેપોમાં ઉભી હતી. ત્યારે એક દિવ્યાંગ મુસાફરને પેથાપુર જવાનું હોવાથી તેઓ બસમાં બેસવા ગયા હતા. તો ફરજ ઉપરના કંડક્ટર અને ડ્રાઇવરે સ્પષ્ટ જણાવ્યું કે આ બસ પેથાપુર ગામમાં જશે નહી.

આથી દિવ્યાંગ મુસાફર બસમાં બેઠા નહી જોકે ત્યારે બસમાં બેઠેલા અન્ય મુસાફરોએ વિરોધ કર્યો કે બસ તો પેથાપુર ગામમાં જાય છે. તો પછી દિવ્યાંગ મુસાફરને કેમ ખોટું બોલીને બેસાડતા નથી. તેવો વિરોધ કરતા ડ્રાઇવર અને કંડક્ટર પણ તે મુસાફરોને બોલવા લાગ્યા હતા.

જોકે એક મુસાફરે વિરોધ કરીને ડેપો મેનેજરને જાણ કરવાનું જણાવતા છેવટે દિવ્યાંગ મુસાફરને બસમાં બેસાડ્યો હતો. દિવ્યાંગ મુસાફરને જીરોની ટિકીટ આપીને પેથાપુર ઉતારવામાં આવ્યા હતા. બસના ડ્રાઇવર અને કંડક્ટરની આવી નિતીને કારણે અનેક મુસાફરો હેરાન થઇ રહ્યા હોવાથી આવા કર્મચારી સામે પગલાં લેવાય તેવી મુસાફરોમાં માંગ છે.

અન્ય સમાચારો પણ છે...