ગુડા વિસ્તારમાં ઓલમ્પિકકક્ષાનું સ્પોટર્સ સંકુલ ઉભું કરવા માટે વર્ષ-2022-23ના બજેટમાં રૂપિયા 60 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષ પૂર્ણ થવાને માંડ બે માસ બાકી છે. ઉપરાંત ગુડાનું વર્ષ-2023-24નું નવું બજેટ રજુ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી સ્પોટર્સ સંકુલ માટે કોઇ જ ખાતમુર્હુત સહિતની કોઇ જ કામગીરી કરવામાં નહી આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ખેલાડીઓને ઓલમ્પિક કક્ષાની વિવિધ રમતોની તાલીમ મળી શકે તેમજ રમતોની પ્રેક્ટિસ કરી શકે તે માટે ગુડાના સરગાસણ વિસ્તાર ટીપી-9માં સ્પોટર્સ સંકુલ બનાવવાનું હતું. પરંતુ અગમ્ય કારણસર સ્પોટર્સ સંકુલ બનાવવા માટે કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું નથી.
કેમ કે વર્ષ પૂર્ણ થવા આવ્યું તેમ છતાં હજુ સુધી સ્પોટર્સ સંકુલ માટે ખાતમુહૂર્ત સહિતની નહી કરાયેલી કામગીરી પરથી લાગી રહ્યું છે. જોકે ગુડા દ્વારા બનાવવામાં આવનાર સ્પોટર્સ સંકુલમાં સ્વીમીંગ પુલ, બેડમિન્ટન, કરાટે જુડો, બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, યોગા, જિમ્નેશિયમ સહિતની રમતો માટેની જરૂરી તમામ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું વર્ષ-2022-23ના રજુ કરેલા ગુડાના બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગુડાની ટીપી-9 વિસ્તારમાં બનાવવામાં આવનાર સ્પોટર્સ સંકુલમાં જિલ્લા અને નગરના ખેલાડીઓને ઓલમ્પિક રમતોની તૈયારીઓ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવનાર હતું. ઉપરાંત ઓલમ્પિકમાં અલગ અલગ રમતો માટે નિયત કરેલા નિયમોનું તેના આધારે કોચ તેમજ મેદાન સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને નવીન સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ઉભું કરવાનું હતું. જેના માટેની ઓલમ્પિક રમતો માટેના નિયત કરેલા ધારા-ધોરણો તેમજ મંજૂરી સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. તેમ છતાં ગુડા વિસ્તારમાં બનાવવામાં આવનાર સ્પોટર્સ કોમ્પ્લેક્ષ માટેની કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં નહી આવતા ખેલશે ગાંધીનગર તો જીતશે ગાંધીનગર સ્લોગન ક્યારે સાર્થક થશે તેવી ચર્ચા ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.