જિલ્લાની વધુ 32 વ્યક્તિઓ કોરોનાના સંક્રમણનો ભોગ બનતા કુલ આંકડો 5067એ પહોંચ્યો છે. હાલમાં શાળા-કોલેજો બંધ હોવા છતાં પ્રોફેસર, આચાર્ય, બે વિદ્યાર્થીઓ તેમજ એન્જિનીયર, બેન્ક મેનેજર, વેપારી, ખેડુત, ગૃહિણી, લેબ ટેકનિશીયન, રીક્ષા ડ્રાયવર સહિત સંક્રમણનો ભોગ બન્યા છે. ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જિલ્લાના બે સહિત કુલ 3 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લામાંથી મનપા વિસ્તારમાં સેક્ટર-25ના 66 વર્ષીય વૃદ્ધ અને માણસાની 64 વર્ષીય ગૃહિણીના મોતથી કુલ આંકડો 330 પહોંચ્યો છે.
જ્યારે અમદાવાદના 78 વર્ષીય વૃદ્ધે પણ અંતિમ શ્વાસ લીધો છે. કોરોનામાં સપડાયેલી 32 વ્યક્તિઓમાંથી મનપા વિસ્તારમાંથી 5 દર્દીઓએ હોસ્પિટલની અને 15 વ્યક્તિઓએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની 7 વ્યક્તિઓએ હોસ્પિટલની અને 5 વ્યક્તિઓએ હોમ આઇસોલેશન સારવાર લેવાનું નક્કી કર્યું છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 20, ગાંધીનગર તાલુકામાંથી 5, કલોલમાંથી 4 અને દહેગામમાંથી 3 કેસ નોંધાયા છે.
મનપા વિસ્તારમાંથી વધુ 20 વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો
મનપા વિસ્તારમાંથી નવા 20 કેસમાં સેક્ટર-5માંથી 59 વર્ષીય આધેડ, 61 વર્ષીય વૃદ્ધ, 38 વર્ષીય અને 62 વર્ષીય ગૃહિણી જ્યારે સેક્ટર-6માંથી 28 વર્ષીય કોન્ટ્રાક્ટર અને 37 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર તથા સેક્ટર-21માંથી 38 વર્ષીય વીજાપુર પ્રાથમિક શાળાના આચાર્ય અને 69 વર્ષીય વેપારી તેમજ સેક્ટર-25માંથી 66 વર્ષીય ગૃહિણી અને 70 વર્ષીય વૃદ્ધ જ્યારે જીઇબીમાંથી 16 વર્ષીય સગીર અને 47 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. ઉપરાંત સેક્ટર-4નો 39 વર્ષીય કેનેરા બેન્કના મેનેજર, સેક્ટર-13નો 30 વર્ષીય એન્જિનીયર, સેક્ટર-1ની 51 વર્ષીય ગૃહિણી, સેક્ટર-27ના 65 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-23નો 20 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-2ની 60 વર્ષીય ગૃહિણી, સેક્ટર-3ની 60 વર્ષીય ગૃહિણી અને ધોળાકુવાના 58 વર્ષીય રીક્ષા ડ્રાઇવર કોરોનામાં સપડાયા છે. દર્દીના સંપર્કવાળા 75 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.
તાલુકામાં 5 લોકો સંક્રમિત
ગાંધીનગર તાલુકામાંથી કુડાસણમાંથી 49 વર્ષીય ખેડુત અને 55 વર્ષીય આધેડ, વાસણા હડમતીયાની 22 વર્ષીય ગૃહિણી, કોલવડાના 70 વર્ષીય વૃદ્ધ અને ખોરજની 40 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે.
કલોલમાં 4,દહેગામમાં 3 કેસ
કલોલ તાલુકામાંથી નવા 4 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 72 વર્ષીય વૃદ્ધ અને 52 વર્ષીય આધેડ તેમજ આરસોડિયાની 66 વર્ષીય ગૃહિણી અને સોજાની 57 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે દહેગામ તાલુકામાંથી નવા 3 કેસમાં સિલોડિયાનો 44 વર્ષીય યુવાન, દેવકરણના મુવાડાની 39 વર્ષીય મહિલા અને પાલુન્દ્રાની 50 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.