તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક સૂચના:ગાંધીનગરનાં શાક માર્કેટોમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવા કુંડાળા કરવાનો નાયબ પોલીસ અધિક્ષકનો આદેશ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી વાળાઓ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સ નાં દરરોજ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે

ગાંધીનગર માં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં દરમિયાન શહેરની શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કનાં ધજાગરા ઉડતા હોવાથી આજથી તમામ શાક માર્કેટમાં દસ દસ ફૂટનું અંતર રાખવા કુંડાળા કરી દેવા માટે નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણા દ્વારા કડક આદેશો આપી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ પહોંચી જવા પામી છે. ગાંધીનગરમાં સંક્રમણ વધતું અટકાવવામાં માટે મિની લોકડાઉન તેમજ રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવા માટે ખડેપગે કામગીરી કરીને કોરોના સંક્રમણ અટકાવવા માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીવન જરૂરિયાતની ચીજો સિવાયની દરેક દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે.

કોરોનાની પેહલી લહેરમાં પાન મસાલાના ગલ્લા ધારકોને સુપર સ્પ્રેડરની કેટેગરીમાં મૂકીને તમામ ગલ્લા બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે બીજી લહેરમાં પણ તમામ જીવન જરૂરિયાતની દુકાનો સિવાયની દુકાનો સદંતર બંધ કરાવી પોલીસ દ્વારા દંડો પછાંળવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરનાં શાક માર્કેટમાં હજી પણ શાકભાજી વાળાઓ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સ નાં દરરોજ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે સરકારે અનેક પાબંધીઓ મૂકી છે, પરંતુ હજુ પણ લોકોમાં સમજણનો અભાવ છે અને લોકો માસ્ક તથા અન્ય નિયમોનો ભંગ કરીને ફરી રહ્યા છે. ગાંધીનગર નાં સેકટર 7,સેકટર 24 તેમજ સેકટર 21, સરગાસણ, કુડાસણ સહિતના શાક માર્કેટમાં અનેક શાકભાજીની લારીઓ રોજ ગોઠવાઈ જતી હોય છે. અહીંથી નગરજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે. માર્કેટમાં ​​​ગ્રાહકો ખરીદી કરતી વખતે કોરોનાને ભૂલી જાય છે અને સોશિયલ ડીસ્ટન્સ રાખતા નથી. એમાંય શાકની લારીઓ એકદમ જોડે જોડે ઉભી રાખવામાં આવતી હોવાથી સોશિયલ ડીસ્ટન્સનું પણ આડકતરી રીતે પાલન થતું નથી. શાક માર્કેટમાં શાકની સાથે જાણે કોરોના પણ વેચાતો હોય એવો માહોલ શહેરનાં માર્કેટમાં જોવા મળી રહ્યો છે.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણા એ જણાવ્યું હતું કે, અવારનવાર શાક માર્કેટ સહિતના વેપારીઓને સોશિયલ ડીસ્ટન્સ તેમજ માસ્ક નું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં શાકભાજી વાળાઓ દ્વારા કોરોના ગાઈડ લાઈન ભંગ કરી ધંધો કરવામાં આવી રહ્યો છે. જેથી શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે તમામ ને દસ દસ ફૂટ દૂર ઉભા રહેવા કુંડાળા કરી દેવાની કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉપરાંત માર્કેટ માં માસ્ક વિનાનાં લારી વાળાઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા અવારનવાર સઘન ચેકીંગ કરીને દંડાત્મક પગલાં પણ ભરવામાં આવશે.

કોરોનાના નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદો વધતાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું: જરૂર જણાયે કડક પગલાં લેવાની ચીમકી આપી

શાકમાર્કેટમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સ-માસ્કનું પાલન કરાવ્યું હતું.
શાકમાર્કેટમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સ-માસ્કનું પાલન કરાવ્યું હતું.

ગાંધીનગરમાં કોરોના વધતાં કેસોને પગલે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયના વેપારધંધા બંધ છે. ત્યારે જીવનજરૂરિયાતમાં આવતી શાકભાજી માર્કેટ ચાલુ રહે છે. ત્યારે સાંજના સમયે શહેરમાં સેક્ટર-6, 7, 21, 24 સહિતના માર્કેટ સોશિયલ ડિસ્ટન્સ ન રહેતું હોવાની ફરિયાદો ઉઠી હતી. શાકભાજી વેચતા અનેક લોકો દ્વારા પણ માસ્ક સહિતના નિમયોનું પાલન કરાતું ન હતું. જેને પગલે શહેર પોલીસે શાક માર્કેટ પહોંચીને શાકભાજીની લારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભી રખાવી હતી. પોલીસે શાકભાજી વેચતા લોકો અને શાકભાજી લેવા આવતા લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા સમજાવ્યા હતા. શહેરના વિવિધ માર્કેટમાં શાકભાજી લેવા મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોય છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના અભાવે સંક્રમિત થયેલા શાકભાજીના ફેરિયા અને નાગરિકો સુપરસ્પ્રેડર ન બને તે માટે પોલીસે આ પ્રયત્ન શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...