વરણી:જિલ્લાની 179 ગ્રામ પંચાયતમાં આગામી સપ્તાહમાં ડેપ્યુટી સરપંચની વરણી થશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપસરપંચ માટે ચૂંટાયેલા સદસ્યો પણ ઉમેદવારી નોંધાવી શકશે
  • 11થી 20 જાન્યુઆરી સુધી જિલ્લામાં તબક્કાવાર કાર્યક્રમ યોજાશે

જિલ્લાની 179 ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોએ નવા સરપંચ તેમજ વોર્ડના સભ્યોની પસંદગી કરી દીધી છે. ત્યારે આગામી સપ્તાહ સુધીમાં ગ્રામ પંચાયતોને ડેપ્યુટી સરપંચ મળી જશે. ડેપ્યુટી સરપંચ માટે ચુંટાયેલા સભ્યો ઉમેદવારી નોંધાવી શકશે. જિલ્લાની 179 ગ્રામ પંચાયતોમાંથી 22 સમરસ થઇ હતી. જ્યારે બાકીની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચુંટણીમાં ગ્રામજનોએ સરપંચ અને સદસ્યોની પસંદગી કરી દીધી છે.

ઉપરાંત રાજ્યના ચુંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોના ચુંટાયેલા સરપંચો અને વોર્ડના સભ્યોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી દેવાઈ છે. ત્યારે ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચની વરણી માટેની પ્રથમ બેઠક માટે વિલંબ થતાં ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા હતા. જોકે વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ સમગ્ર તંત્ર લાગ્યું હોવાથી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની વરણીની કામગીરી વિલંબમાં પડી હતી. જોકે રાજ્ય સરકારે વાઇબ્રન્ટની નહી યોજવાની જાહેરાત કરતા ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક અને ડેપ્યુટી સરપંચની વરણીની તારીખો નક્કી કરવામાં આવતા ડેપ્યુટી સરપંચની વરણીનો ઇંતજાર ખતમ થયો છે.

ગ્રામ પંચાયતોમાં પ્રથમ બેઠક આગામી તારીખ 11મી જાન્યુઆરીથી આગામી તારીખ 20મી, જાન્યુઆરી સુધીમાં યોજવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં ગાંધીનગર તાલુકાના 54 ગ્રામ પંચાયતોમાં આગામી તારીખ 11મી, જાન્યુઆરીથી તારીખ 13મી, જાન્યુઆરી-2022 સુધી યોજવામાં આવશે. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ માટે વોર્ડના ચુંટાયેલા સભ્યો ઉમેદવારી નોંધાવી શકશે.

જે ગ્રામ પંચાયતોમાં એકથી વધુ ઉમેદવારો ડેપ્યુટી સરપંચના ફોર્મ ભરશે. તેવી ગ્રામ પંચાયતોમાં પંચાયત ધારા મુજબ ચુંટણી યોજવામાં આવશે. જોકે ગ્રામ પંચાયતની પ્રથમ સભામાં ઉપસ્થિત રહેનાર અધ્યાસી અધિકારીઓની વરણી પણ કરી દેવામાં આવી છે.

કલોલ તાલુકાની ગ્રામ પંચાયતોની પ્રથમ બેઠક આગામી 17મી, જાન્યુઆરી-2022ના રોજ યોજવામાં આવશે. જોકે ડેપ્યુટી સરપંચ પોતાની વિચારધારાવાળો આવે તે માટે હાલમાં ગામડાઓમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ગ્રામ પંચાયતોમાં ચુંટણીથી નહી પરંતુ સર્વાનુમતે ડેપ્યુટી સરપંચની વરણી થાય તેની કવાયત રાજકીય પક્ષો દ્વારા પડદા પાછળ કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...