ગાંધીનગરના દહેગામ ખાતે રૂપિયા છ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા એસ.ટી. બસ સ્ટેશનનુ લોકર્પણ આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી પાંચ વર્ષમાં રાજ્યની સાથે ગાંધીનગર તાલુકાના તમામ બસ સ્ટેશનો સુવિધા જનક બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે. નોંધનીય છે કે, દહેગામ બસ સ્ટેશન ખાતેથી દરરોજ અંદાજીત 10 હજાર કરતા વધુ નાગરિકો પોતાના કામ અર્થે આવન-જવાન કરે છે.
આજે રાજયના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજયના વિવિધ જિલ્લામાં રૂપિયા 2,819 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવ બસ સ્ટેશન-વર્કશોપનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂપિયા 4372 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર અધતન સુવિધાવાળા ૫ બસ સ્ટેશન-વર્ક શોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે દહેગામ ખાતે નિર્માણ પામેલા બસ સ્ટેશનનુ લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, ધંધા- રોજગાર, સામાજિક અને અન્ય પ્રસંગોમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આજે રાજ્યના મોટા ભાગના નાગરિકો એસ.ટી. બસ સુવિધાનો લાભ લે છે. રાજયમાં નિયમિત 25 લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે. આટલી મોટી સંખ્યામાં રાજયના નાગરિકો બસ સુવિધાનો ઉપયોગ કરતા હોવાથી તેમને ઉત્તમ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા અધતન સુવિધા સજ્જ બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં રાજયના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધા જનક બનાવવાનું આયોજન રાજય સરકારે કર્યું છે.
દહેગામ ખેતીવાડી, ઉધોગ ધંધા સાથે સાથે રાજ્યમાં કોલ્ડ સ્ટોરજ માટે ગુજરાતમાં પ્રખ્યાત છે, તેવું જણાવી નાયબ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આજે સહરદીય વિસ્તાર સહિત ઓછી વસ્તી ધરાવતા ગામોમાં પણ એસ.ટી. બસ સેવાનો લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત વિધાર્થી, દિવ્યાંગો અને સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર મિત્રો, માજી ધારાસભ્યો, સંસદ સભ્યો અને કેન્સર પીડિત વ્યક્તિઓને રાહતદરે અથવા નિ: શુલ્ક મુસાફરીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
એસ.ટી. બસ સ્ટેશનમાં સ્વછતા રાખવાની વાત પર ભાર મુકીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર અને દહેગામ તાલુકામાં દૈનિક સંચાલિત થતી એરાઇવલ અને ડર્પાચર ટ્રીપો કુલ - 725 છે. તેમજ બસ ટર્મિનલ પરથી દૈનિક 26,232 કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. તેમજ 513 ટ્રીપો અને 67 શીડયુલ છે. માસિક 1933 વિધાર્થીઓ અને 2198 મુસાફરોને પાસની સુવિધા આપવામાં આવી રહી છે.
દહેગામ ખાતે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેશનમાં અધતન સુવિધા વાળા મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ-ટીકીટ રૂમ, એ.ટી.એસ.- એ.ટી.આઇ રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત), શૌચાલય, વિકલાંગ વ્યક્તીઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમપ્ની સુવિધા સહિત, રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. લોક ડાઉનના સમયમાં સદતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી રાજ્ય સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી પિનાબેન શાહ, દહેગામ એ.પી.એમ.સી.ના ચેરમેન સુમેરૂ અમીન, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, ગાંધીનગર પ્રાંત અધિકારી એસ.એમ.ભોરણિયા સહિત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.