નારાજ મંત્રીઓના મનામણાં:રૂપાણી-નીતિન પટેલના બંગલે ટેકેદારોનો જમાવડો; રૂપાણીએ મોવડી મંડળને કહ્યું, ‘મંત્રીઓનો શું વાંક?’

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીમંડળ આવાસમાં મોંઘીદાટ ગાડીઓની લાઇનો લાગી

ભાજપે મંત્રીમંડળના તૈયાર કરવામાં સહમતી સાધી ન શકતા છેવટે શપથવિધિ મોકૂફ રાખવી પડી છે. મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરી આવતા નારાજ મંત્રીઓના ટેકેદારો તેમના બગલે ઉમટી પડયા હતા. જો કે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના બંગલે મંત્રીપદ ગયા પછી નારાજ મંત્રીઓને મનાવવાની કામગીરી ચાલતી હતી. જયારે નિતીન પટેલના બંગલે ટેકેદારો ઉમટી પડતા કારનો જમાવડો થઇ ગયો હતો. કુંવરજી બાવળિયાએ પોતે કોળી સમાજના પ્રમુખ હોવાનો પત્ર રજૂ કરતા વિવાદ થયો છે.

મંત્રીઓએ આપી રાજીનામાની ધમકી
નો-રિપીટ આવતા તમામ મંત્રીઓ રિપીટ થશે નહીં તે સ્પષ્ટ થઇ ગયું. આથી રૂપાણી સરકારના અમુક મંત્રીને રિપીટ કરવામાં આવે તે માટે રૂપાણીએ મોવડી મંડળને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેમણે ત્યાં સુધી કહ્યું કે, મારું રાજીનામું બરાબર છે, મંત્રીઓનો શું વાંક? જો કે નો-રિપીટ થિયરી જ અમલમાં મુકી હોવાથી તેમની રજૂઆતનો કોઇ અર્થ રહ્યો હતો નહીં. રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મંત્રીઓને સાંભળ્યા હતા. નારાજ મંત્રીઓને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, કેટલાક મંત્રીઓ પૈકી અમુકે રાજીનામાની ધમકી આપી હતી. રાજીનામાની ધમકી આપનાર મંત્રીઓને મનાવવા માટે ટોચના નેતાઓ કામે લાગી ગયા હતા.

નીતિન પટેલે તમામ ટેકેદારોને શાંતિ જાળવવાની સલાહ આપી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બંગલે કારનો જમાવડો થઇ ગયો હતો. નીતિન પટેલ નારાજ હોવાનું બહાર આવતા તેમને મંત્રીમંડળમાં લઇને મનાવી લેવાશે તેવી વાત હતી તેનો છેદ પણ ઊડી ગયો હતો. પટેલના ટેકેદારો એક પછી એક તેમના બંગલે આવતા બંગલા બહાર કારનો જમાવડો થઇ ગયો હતો. બંગલો મોટો હોવાછતા બંગલાની બહાર કારની લાઇનો લાગી ગઇ હતી. નિતીન પટેલ બુધવારે તમામને મળ્યા હતા. તેમણે બધાને શાંતિ રાખવાની સલાહ આપી હતી. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ આવ્યા પછી અનેક વખત નિતીન પટેલે નારાજગી વ્યકત કરી છે.

મંત્રીમંડળમાં સમાવવા બાવળિયાને ફરી કોળી સમાજના પ્રમુખ બનાવ્યા
પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાના બંગલે પણ ટેકેદારોની કારનો કાફલો જોવા મળ્યો હતો. બાવળિયા સહિતના તમામ મંત્રીઓેને પડતા મુકવાના હોવાથી કોળી સમાજનું પ્રતનિધિત્વ જાળવવા માટે અખિલ ભારતીય કોળી સમાજે બાવળિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, એટલું જ નહીં, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે હટાવી દીધા પછી ફરી તેઓ પ્રમુખ હોવાનો પત્ર પણ અપાયો હતો. આમ છતા ભાજપની નો-રિપીટ થિયરીને કારણે આ પત્ર કે પદ પણ બાવળિયાને મંત્રી બનાવી શકે તેવી કોઇ શકયતા ન હોવાનું સુત્રોનું કહેવું છે.

દિલીપ ઠાકોરના મત વિસ્તારમાં સમર્થકોના દેખાવો
પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરને પણ અન્ય મંત્રીઓની સાથે પડતા મુકવામાં આવશે તે વાતથી ઠાકોર સમાજ સહિત તેમના ટેકેદારો નારાજ થયા હતા. તેમના ટેકેદારોના કહ્યા પ્રમાણે દિલીપ ઠાકોર મંત્રી તરીકે કોઇ એવી કામગીરી કરી નથી કે તેમને કાપવા પડે. દિલીપ ઠાકોર વ્યકિત તરીકે પણ સજ્જન હોવાની ઇમેજ ધરાવે છે. આમછતા તેમને મોવડી મંડળે મંત્રી તરીકે પડતા મુકતા રોષ હોવાનું તેમના ટેકેદારોનું કહેવું છે. તેમના ટેકેદારોએ પાટણમાં વિરોધ વ્યકત કર્યો હતો. વિરોધ કરીને તેમણે દિલીપ ઠાકોરને ફરીવખત મંત્રીમંડળમાં લેવા માટેની માગ કરી હતી. જો કે, મંત્રીમંડળમાં જ નો-રિપીટની નિતી અપનાવાઇ હોવાથી તેમને રિપીટ કરવામાં આવે તેવી કોઇ શકયતા નથી.

અન્ય સમાચારો પણ છે...