નિર્ણય:મહેસૂલ વિભાગના વર્ગ-3 અને 4ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ આવશે

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેબિનેટ મંત્રી કૌશિક પટેલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કેબિનેટ મંત્રી કૌશિક પટેલ ( ફાઈલ ફોટો)
  • “લોક અદાલત” જેવું તંત્ર ઉભું કરવા 36 ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી

કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં પણ સરળ અને ઝડપી કાર્યવાહી થાય તે માટે લોકઅદાલત જેવા તંત્રથી ખાતાકીય તપાસના કેસોનો ઝડપથી નિકાલ થશે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.17.07.2020 થી લોકઅદાલત જેવા તંત્રની શરૂઆત કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગ હસ્તકના 33 જિલ્લા કલેકટર કક્ષાએ તેમજ સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરવામાં આવેલ છે. એમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.

36 ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી
તેમણે ઉમેર્યું હતું કે, કુલ 36 ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરવામાં આવી છે તે જ રીતે હવે સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4 ના સરકારી કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નિકાલ માટે લોકઅદાલત જેવું તંત્ર ઉભું કરવા માટે મહેસૂલ વિભાગના તા.૦2/12/2020ના ઠરાવથી જમીન સુધારણા કમિશ્નરશ્રી અને હોદ્દાની રૂએ સચિવશ્રીના અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મહેસૂલ વિભાગના અધિક / સંયુક્ત / નાયબ સચિવ(તપાસ) આ સમિતિના સભ્ય અને મહેસૂલ વિભાગના અધિક/સંયુક્ત/નાયબ સચિવ(મહેકમ) આ સમિતિના સભ્ય સચિવ રહેશે.

લાંબી પ્રક્રીયામાંથી મુક્તિ મળશે
સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ કે જેઓને હળવી અથવા ભારે શિક્ષા કરવા માટે આરોપનામું બજાવવામાં આવેલ છે તેવા કર્મચારી બચાવનામું રજુ કરે તે તબક્કે આ ઉચ્ચ કક્ષાની સમિતિ સમક્ષ તેમનો કેસ રજૂ થાય તેમ ઇચ્છતા હોય તો તેઓને નિયત નમૂનામાં શિસ્ત અધિકારીને અરજી કરવાની રહે છે. શિસ્ત અધિકારીએ તે પરત્વે વિચારણા કરી કેસ સમિતિ સમક્ષ રજૂ કરાવવાનો નિર્ણય કરશે. આમ, તેમના કેસનો શિસ્ત અધિકારી અને કર્મચારીની પરસ્પરની સંમતિથી સત્વરે નિકાલ આવી શકે જેથી આ વ્યવસ્થાથી સચિવાલયના મહેસૂલ વિભાગના વર્ગ-3 અને વર્ગ-4ના સરકારી કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થશે તેમજ લાંબી પ્રક્રીયામાંથી મુક્તિ મળશે.

અન્ય સમાચારો પણ છે...