ઠાકોર સમાજની અનામતની માંગ:ગુજરાત ઠાકોર -કોળી એકતા મિશન દ્વારા 20 ટકા અનામતની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન

ગાંધીનગર16 દિવસ પહેલા
  • અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા રજૂઆત કરાઇ હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહીં છે, ત્યારે રાજ્યના વિવિધ જ્ઞાતિસમાજો દ્વારા સમાજને અન્યાયની રજૂઆતો સરકાર સુધી પહોંચાડી રહ્યાં છે. એવામાં ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ આજે 20 ટકા અનામતની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી વર્ષ આવે ત્યારથી જ રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ સામે આવે છે. હજી વિધાનસભા ચૂંટણીને છ મહિનાથી વધુ સમયની વાર છે. ત્યારે થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઠાકોર અને કોળી સમાજને ગુજરાત રાજ્યમાં વસ્તી પ્રમાણે 20 ટકા જેટલી અનામત મળે તેવી માંગ કરવામાં આવી હતી.

જોકે, આ બાબતે સરકાર તરફથી સકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવતાં આજે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના નેજાં હેઠળ બન્ને સમાજ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના આગેવાન રણછોડભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી 40%છે. આઝાદીના 70 વર્ષ પછી પણ સમાજની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં કોઇ સુધારો થઈ શક્યો નથી. આ સમાજ જોડે વેપાર ધંધા નોકરી કે રોજગાર ના કોઈ સ્રોત ન હોવાના કારણે આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠો છે.

છેલ્લા ઘણા સમયથી સમસ્ત ઠાકોર અને કોળી સમાજ પોતાની માંગણીને લઇ સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સમસ્ત ઠાકોર અને કોળી સમાજે એકતા મિશન આજે ધરણાં ઉપર બેઠા છે. જેમાં અમારી મુખ્ય ચાર માગણીઓ છે. જે મુજબ ઠાકોર અને કોળી સમાજને વસતીના ધોરણે અનામત મળે અથવા 20 ટકા અનામત મળે. બીજી માંગણી છે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1500 કરોડની ગ્રાન્ટ મળે, દરેક જિલ્લામાં આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલ બને, જાતિ આધારિત વસતિ ગણતરી થાય તેવી માંગ છે. જો આગળના સમયમાં માંગણીઓ સ્વીકારવામાં નહિ આવી તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...