નોનવેજની લારીઓ સામે વિરોધનો સૂર:પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર સહિતના હોદ્દેદારોની નોનવેજની લારીઓ અને દબાણો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોનવેજનાં શોખીનો ગમે ત્યાં જઈને ખાઈ લે, જાહેર સ્થળો પરથી દૂષણ દૂર થવું જોઈએ : રીટાબેન પટેલ
  • સેક્ટર-7માં કરોડોના 500 મીટરના પ્લોટમાં ગેરકાયદેસર રીતે તબેલો શરૂ થઈ ગયો : અશોક પટેલ
  • નાના ધંધાર્થીઓની અચાનકથી રોજી રોટી છીનવી લેવી ના જોઈએ : પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મનુભાઇ પટેલ

રાજ્યભરમાં ઈંડા-નોનવેજની હાટડીઓ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી પણ જાહેર સ્થળોએ ઉભી રહેતી લારીઓ અને દબાણો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ સાથે ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અને મેયર સહિતના હોદ્દેદારોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.

ગાંધીનગર વિકાસની હરણફાળ ભરીને સ્માર્ટ સીટી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. એવામાં રાજ્ય સહિત ગાંધીનગરમાં પણ ઈંડા તેમજ નોનવેજની લારીઓ સામે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. એકતરફ ગાંધીનગરમાં જમીનોનાં ભાવ આસમાને જઈ રહ્યા છે, ત્યારે લારીઓવાળા કરોડોની જમીનો પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી રોકટોક વિના ધંધો કરી રહ્યા છે. જેની સામે હવે પૂર્વ ધારાસભ્ય, મેયર સહિતના પૂર્વ હોદ્દેદારોએ પણ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો સ્પષ્ટ મત દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.

શોખીનો ગમે ત્યાંથી લારીઓ શોધી કાઢશે પણ શહેરમાંથી દૂષણ દૂર થવું જોઈએ : પૂર્વ મેયર રીટાબેન પટેલ

ગાંધીનગરમાં રાફડાની માફક ઉભી થઈ ચૂકેલી નોનવેજની લારીઓ બાબતે પૂર્વ મેયર રીટાબેન પટેલે જણાવ્યું હતું હતું કે, ગાંધીનગરમાંથી ચોક્ક્સથી લારીઓ દૂર થઈ જવી જોઈએ. જાહેર માર્ગો, ધાર્મિક સ્થાનો તેમજ સ્કૂલોની આસપાસ નોનવેજની લારીઓ હોવી જ ના જોઇએ. નોનવેજના શોખીનો ગમે ત્યાંથી લારીઓ શોધીને નોનવેજ ખાવાના જ છે. ભૂતકાળમાં અમે શહેરમાંથી નોનવેજ લારીઓ દૂર કરાવી હતી. સ્કૂલો આસપાસ ઉભી રહેતી લારીઓના કારણે બાળકો પર પણ તેની વિપરીત અસર પડતી હોય છે. જેથી આવા ધંધાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઇએ.

ઈંડા સિવાય નોનવેજની તમામ લારીઓ બંધ થવી જોઇએ : પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલ

પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલે મત વ્યક્ત કર્યો હતો કે મુખ્ય માર્ગો પર લારીઓ ઉભી રહેવા લાગી છે. યોગ્ય સાફ સફાઈ પણ નહીં થતી હોવાથી ગંદકી થવા લાગી છે. જેનાં કારણે કૂતરાનો પણ ત્રાસ વધી ગયો છે. રહેણાંક વિસ્તારો, જાહેર માર્ગો તેમજ ધાર્મિક સ્થાનો અને સ્કૂલો આસપાસ લારીઓ હોવી જોઈએ નહીં. એમાંય નોનવેજની હાટડીઓ તો સદંતર ગાંધીનગરમાં બંધ થઈ જવી જોઈએ.

ગાંધીનગરના વેપારીઓએ લારીઓનાં દબાણો સામે આંદોલન કરવું જોઈએ : પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ

ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે, ઈંડા અને નોનવેજની નહીં પરંતુ તમામ ગેરકાયદેસર રીતે ઉભા થયેલા દબાણો દૂર થવા જોઈએ. ગાંધીનગરમાં એક લારી વાળો સરકારી જમીનમાં 100 મીટરની જગ્યા રોકી લે, તો પણ સીધી 50 લાખની જમીન એક લારી વાળો કબ્જે કરી લેતો હોય છે. આમ કરોડો રૂપિયાની જમીનો પર ગેરકાયદેસર દબાણો ઉભા થઈ ગયા છે.

પૂર્વ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી તંત્રનો માર્ગ મકાન વિભાગ, ગાંધીનગરની દબાણ શાખા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ બાબતે ધ્યાન આપતું નથી. દબાણ શાખાએ કામગીરી કરવી જ જોઈએ, શહેરમાં ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે. સેકટર-7 ભારત માતાના મંદિર પાછળ જ કરોડો રૂપિયાની કિંમતના 500 મીટરના પ્લોટમાં ગેરકાયદેસર તબેલો ઊભો થઈ ગયો છે. જેની અંદાજિત બજાર કિંમત પાંચ કરોડ રૂપિયા ઘણી શકાય. એકતરફ લાખો રૂપિયા ખર્ચીને વેપારીઓ દુકાન ખરીદી કે ભાડા ભરીને ધંધો કરતાં હોય છે, જેનાં સ્થાને લારીઓવાળા સરકારી જમીન પચાવી પાડી હોટલોનાં ભાવે જ વેજ-નોનવેજ સહિતની ચીજો વેચી ચોખ્ખી કમાણી કરી રહ્યા છે. જેથી ગાંધીનગરના વેપારીઓએ પણ આંદોલન કરીને ગેરકાયદેસર દબાણો સામે લડત આપવી જોઇએ.

માર્ગ મકાન વિભાગ, જંગલ ખાતુ અને કોર્પોરેશને સંયુક્ત કામગીરી કરવી જોઇએ : પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન

ગાંધીનગર મનપાનાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન દેવેન્દ્રસિંહે પણ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, ગાંધીનગરમાંથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર થવી જોઈએ. જાહેર માર્ગો, ધાર્મિક સ્થળો, સ્કૂલો આસપાસ લારીઓ ઉભી થઈ જાય એ ચલાવી ના લેવાય. અમે ભૂતકાળમાં સેકટર-5, સેકટર-21 સહિતના વિસ્તારોમાંથી આવી લારીઓ દૂર કરી હતી. પાટનગર યોજના વિભાગ, જંગલખાતુ અને કોર્પોરેશનની દબાણ શાખાએ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. ખાસ કરીને દબાણ શાખાએ કડક થવું જોઈએ. કોઈ ફરિયાદ કરે પછી કાર્યવાહી કરવાની જગ્યાએ દબાણ શાખાએ જાગૃત થવું જોઈએ.

રોજગારી છીનવી ના લેવાય, વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાવી જોઈએ : પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મનુ પટેલ

આ અંગે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મનુ પટેલે કહ્યું હતું કે, નાના ધંધાર્થીઓની અચાનકથી રોજી રોટી છીનવી લેવી ના જોઈએ. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા પણ આવો મત વ્યક્ત કરાયો છે. વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી લારીઓવાળાએ ખોરાક ઢાંકેલો, આરોગ્યને નુકશાન ન કરે તેવો વેચવો જોઈએ. જાહેર સ્થળોએથી તો આવી લારીઓ દૂર કરવી જોઈએ, કેમકે નોન વેજની લારીઓથી નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...