રજૂઆત:SC કેટેગરીની બેઠક પર વણકર સમાજને ટિકિટ આપવા માગણી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે વણકર સમાજના લોકોએ રજૂઆત કરી
  • પ્રથમ યાદીમાં સમાજ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારની 43 નામની પ્રથમ યાદી જાહેર કરતા તેમાં અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિ તેવા વણકર સમાજનો યોગ્ય સંખ્યામાં સમાવેશ ન કરતા મામલો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે પહોંચ્યો હતો. પ્રદેશ કાર્યાલયે અનુસૂચિત જાતિના કે.એલ.પરમારે એવી રજૂઆત કરી હતી કે, કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં એસસી અનામતની ત્રણ બેઠક પર વણકર સમાજને ન્યાય ન આપ્યો હોવાથી બાકીની બેઠકો પર વણકર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા પ્રમુખ જગદીશ ઠાકોરને રજૂઆત કરી હતી.

રજૂઆત કરવા આવેલા વણકર સમાજના આગેવાનોને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તેમને મંત્રણા માટે બોલાવી લીધા હતા. આ મંત્રણામાં કે.એલ.પરમારે ઉત્તર ગુજરાતની કડી અને વડગામ તેમજ ઇડર એમ ત્રણ બેઠક પર વણકર સમાજ સિવાયના ઉમેદવારોને ટિકિટ આપી છે. આવા સંજોગોમાં હજુ એસસી કેટેગરીની જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના છે તે બેઠકો પર વણકર સમાજને પુરતું પ્રતિનિધિત્વ આપવાની માગ કરી હતી.

ધારાસભ્યો પક્ષ છોડતા ડેમેજ કંટ્રોલ બેઠક મળી
કોંગ્રેસના ધારાસભ્યો એક પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસે પક્ષના વધુ ધારાસભ્યો પક્ષ છોડે તે પહેલા ડેમેજ કંટ્રોલ હાથ ધરવાની કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગા બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પક્ષ છોડ્યો છે. જેથી ડેમેજ કંટ્રોલ માટે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માને બંગલે એક બેઠક બોલાવી જરૂરી પ્લાનિંગ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...