આવેદન પત્ર:ઓબીસીનાં 27 ટકા અનામતમાંથી 15 ટકા અનામત આપવા ઠાકોર અનામત આંદોલન સમિતિની માંગ

ગાંધીનગર6 મહિનો પહેલા
  • ગાંધીનગર જિલ્લા કલેક્ટરને ઠાકોર અનામત આંદોલન સમિતિએ આવેદન પત્ર પાઠવ્યું
  • તમામ જિલ્લાઓમાં ઠાકોર સમાજની અલગ છાત્રાલયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 20 હજારની સહાયની પણ માંગ

રાજયના ઓબીસી સમાજના લોકોને આપવામાં આવતા 27 ટકા અનામત લાભમાંથી 15 ટકા અનામત અથવા વસ્તીના ધોરણે અનામત આપવાની માંગ ઠાકોર અનામત આંદોલન સમિતિએ કરી છે. આ અંગે ઠાકોર અનામત આંદોલન સમિતિ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોમાં ઠાકોર અને કોળી સહિત 16 જાતિનો સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતમાં વસ્તીનાં આધારે ગણતરી કરવામાં કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે. જેથી આ બંને સમાજને પછાત વર્ગને આપવામાં આવતાં 27 ટકા અનામતમાંથી 15 ટકા અનામત આપવા માટે આજે ગાંધીનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અંગે ઠાકોર અનામત આંદોલન સમિતિના સંયોજક ધર્મેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને OBCના 27 ટકા અનામતમાંથી અલગ 15 ટકા અનામત આપવું અથવા વસ્તીના ધોરણે અનામત આપવાની અમારી માંગણી છે. તેમજ ઠાકોર કોળી વિકાસ નિગમમાં મળતી ગ્રાન્ટની રકમ રૂ.1500 કરોડ કરવા અને ગુજરાતના તમામ જિલ્લાઓમા ઠાકોર સમાજની અલગ છાત્રાલયો બનાવવા સહિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રૂ.20,000ની સહાય જાહેર કરવા માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિધવા બહેનોને પાંચ હજાર પેન્શન, jee, neet, gujcet જેવા મેડિકલ એન્જિનિયરીંગનાં અભ્યાસનાં કોચિંગ માટે સહાય આપવાની પણ માંગ કરાઈ છે. રાજયમાં પછાત વર્ગના લોકોને 27 ટકા અનામત આપવામાં આવે છે. ઠાકોર અને કોળી સમાજની વસ્તી 60 ટકા છે. તેમ છતાં ઠાકોર સમાજને અનામતનો લાભ માત્ર એક ટકા આપવામાં આવે છે. જેથી ઓબીસી સમાજને આપવામાં આવતી 27 ટકા અનામતને વર્ગીકૃત કરી ઠાકોર સમાજને 15 ટકા અનામત આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...