મુખ્યમંત્રીને રજૂઆત:ઈંટ ઉદ્યોગને ફાળવવામાં આવતાં લિગ્નાઈટની ગુણવત્તા સુધારવા ગુજરાત બ્રીક્સ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ફેડરેશનની માંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી ગુણવત્તા સુધારી ક્વોટા વધારવા માટે પણ માંગ કરી

ઈંટ ઉદ્યોગને ફાળવવામાં આવતો લિગ્નાઈટનો જથ્થો ખરાબ ગુણવત્તાનો હોવા ઉપરાંત પૂરતો ક્વોટા પણ ફાળવવામાં આવતો નહીં હોવાની ફરિયાદ ગુજરાત બ્રીકસ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ફેડરેશન દ્વારા મુખ્યમંત્રીને કરીને ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને બ્રીકસ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન ફેડરેશન દ્વારા રજૂઆત કરાઈ છે કે, જ્યારથી જીએમડીસી દ્વારા લિગ્નાઈટ કોલસાનું ઉત્પાદન શરૂ કરાયું ત્યારે કોઈ લિગ્નાઈટ ખરીદવા તૈયાર ન હતું. ત્યારથી ગુજરાતના ઈંટ ઉત્પાદકોએ લિગ્નાઈટનો ઉપયોગ શરૂ કર્યો હતો. જો કે ચાલુ વર્ષે ઈંટ ઉત્પાદકોને પૂરતા પ્રમાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂરો પાડવામાં આવતો નથી.

અગાઉ માતાના મઢ, ઉમરસર, રાજપારડી, તડકેશ્વર, ભાવનગર સહિતની ખાણોમાંથી સારી ગુણવત્તાનો લિગ્નાઈટ ક્વોટા ફાળવવામાં આવતો હતો. ભુતકાળમાં સારી ક્વોલિટીનો આયાતી કોલસો મળી રહેતો હોવા છતાં લિગ્નાઈટ જ વાપરતા હતા. જો કે ચાલુ વર્ષે લિગ્નાઈટની સારી ગુણવત્તાનો ક્વોટા મળતો નથી. તેમજ લિગ્નાઈટનો ભાવ વધારો પણ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં સારી ગુણવત્તાનો બોટમનો માલ ઈંટ ઉત્પાદકોને પૂરો પાડવામાં આવતો નથી.

વધુમાં ઈંટ ઉત્પાદકોને ચાલુ વર્ષે માર્ચ 2022 સુધી માતાના મઢનો 100 ટન લિગ્નાઈટ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. જેનું લેઈટ લોડીંગ થવાથી ક્વોટા લેપસ થઈ ગયો છે. ત્યારે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં માતાના મઢનો 60 ટન, ભાવનગરનો 20 ટન લિગ્નાઈટ ક્વોટા ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજા પખવાડિયામાં માતાના મઢનો 20 અને ભાવનગરનો 40 ટન લિગ્નાઈટ ક્વોટા ફાળવવામાં આવેલ તે ઈંટ ઉત્પાદકો માટે અપૂરતો છે.

હવે જ્યારે ઈંટ ઉત્પાદનની સિઝન બેથી અઢી મહિના રહી છે. જે પછી વરસાદી સિઝનમાં ઈંટ ઉત્પાદકો લિગ્નાઈટનો ઉપયોગ કરતાં નથી. જેથી ચાલુ સિઝનમાં બાકી રહેલો માતાના મઢનો લિગ્નાઈટનો બોટમ ક્વોટા સારી ગુણવત્તા વાળો અને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...