રજૂઆત:કોવિડમાં છુટા કરાયેલા ખાનગી શાળાના શિક્ષકોને પરત લેવા માંગ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ પાસેથી ફી વસુલવા છતાં શાળાના સંચાલકો દ્વારા પુરતો પગાર આપ્યો નહી હોવાનો શિક્ષકોનો આક્ષેપ

કોરોનાની મહામારીમાં વાલીઓ પાસેથી તગડી ફી વસુલવા છતાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા પુરતો પગાર આપ્યો નહી હોવાનો આક્ષેપ ખાનગી શાળાના શિક્ષકોએ કર્યો છે. ઉપરાંત દિવાળી અને ઉનાળું વેકેશનનો પણ પગાર મળતો નથી. કેટલીક સંસ્થાઓ વધારે પગાર ઉપર સહી કરાવીને ઓછો પગાર આપતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

કોરોનાની મહામારીમાં સૌથી વધુ કફોડી હાલત ખાનગી શાળાના શિક્ષકોની બની રહી હતી. ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપીને વાલીઓ પાસેથી તગડી ફીની વસુલાત કરી હતી. તેમ છતાં ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા ખાનગી શિક્ષકોને અમુક શાળાઓ દ્વારા પગાર આપ્યો નથી. ઉપરાંત અમુક શાળાના સંચાલકો દ્વારા શિક્ષકોને છુટા કરવામાં આવ્યા હતા.

જોકે હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોવા છતાં છુટા કરેલા શિક્ષકોને પરત લેવામાં નહી આવતા તેઓની આર્થિક સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી બની રહી છે. ખાનગી શાળાના શિક્ષકોને ઓરીજનલ સર્ટીફિકેટ શાળામાં જમા કરાવવા પડે છે. જાહેર રજાના દિવસે શાળામાં બોલાવે છે. શિક્ષકોનું સ્વમાન જળવાતું નથી. એક વર્ષની ઓછામાં ઓછી 12 સીએલ આપવામાં આવતી નથી. તેવો આક્ષેપ ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘના પ્રમુખે કર્યો છે.

વધુમાં શિક્ષકો પગારમાંથી પીએફ કપાવે તેમ છતાં સંસ્થા પીએફ ઉમેરતી નથી. દિવાળી અને ઉનાળુ વેકેશનનો પગાર મળતો નથી. બેન્કમાં પગાર વધારે જમા કરાવે છે. ત્યારબાદ નિયત કરેલી અમુક ટકા પગાર શાળાના સંચાલકોને જમા કરાવવો પડે છે તેવી માંગણી સાથે ગુજરાત રાજ્ય ખાનગી શિક્ષક સંઘના પ્રમુખ મનોજ સાવંતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...