હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ખરીફ સીઝન માટે ખેતી માટે નર્મદાનું પાણી આપવાની માંગણી સાથે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ગત ચોમાસું નબળું રહેવાથી આખુ વર્ષ ખેડુતોને પાણીને લઇને પ્રશ્નો ઉઠતા રહ્યા છે. ઉપરાંત ખેતી માટે નક્કી કરેલી આઠ કલાક વીજળી પણ આપવામાં નહી આવતા ખેડુતોની હાલત કફોડી બની રહી હતી. તેમાં કકડતી ઠંડીમાં ખેડુતોને રાત્રી ખેતરમાં પાણી આપવાની ફરજ પડી હતી.
ખેતપાકને પાણી આપવા માટે ખેડુતોને ઉજાગરા કરવાની નોબત ઉભી થઇ હતી. ત્યારે ચાલુ વર્ષે ચોમાસું સારૂ રહેવાના હવામાન વિભાગે આગાહી કરી છે. આથી ખરીફ પાકનું વાવેતર આગામી જૂન માસના છેલ્લા વીકમાં કરવામાં આવે છે. ત્યારે ખરીફ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને ખેતી માટે નર્મદાનું પાણી આપવામાં આવે તેવી માંગણી ખેડુતોમાં ઉઠવા પામી છે.
ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસું 15મી જૂને નિયમિત રહેવાની આગાહી કરી છે. ઉપરાંત સારા વરસાદની આગાહીને જોતા ખેડુતોને ખરીફ પાકની સીઝન માટે નર્મદાનું પાણી આપવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
રાજ્યમાં હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અને બીજી તરફ હજુ ચોમાસાની સિઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે ત્યારે હાલમાં ગરમી અને આકરા તાપના કારણે કિસાનોના ખરીફ પાક પર સીધી અસર પડી રહી છે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પાણીની ખેંચના કારણે ખેડૂતોનો તૈયાર પાક નાશ પામે તેવી સ્થિતી ઉભી થઈ છે.
આવી સ્થિતિમાં રાજ્યના કિસાનોએ તેમના વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે જોકે આ વખતે સારા વરસાદની આગાહી થઈ છે પણ જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી સુકાતા પાકને બચાવવા માટે પાણી આપવા રજૂઆત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.