ગાંધીનગરમાં રાહતદરે ફાળવેલા પ્લોટ પર બનાવવામાં આવેલા મકાનોની વેચાણ મંજૂરીની અરજીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવતાં ઢગલાબંધ અરજી પડતર પડી રહી છે. જેનાં કારણે પરસેવાની કમાણીથી ઉભી પોતાની જ પ્રોપર્ટી વેચાણ માટે બ્રેક લાગી જતાં વય નિવૃત કર્મચારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતોની સેક્ટર - 12 ઉમિયા મંદિરે ખાસ બેઠક મળી હતી. જેમાં પડતર અરજીઓનો સત્વરે નિકાલ કરવાની માગ કરાઈ છે.
મકાનોની વેચાણ મંજૂરી પર રોક
ગાંધીનગર સ્થાપના કાળથી સરકારી નગર તરીકે ઓળખ ધરાવે છે. અહીં સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા રાહતદરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેનાં પર કર્મચારીઓએ પરસેવાની કમાણી થકી મકાન બાંધ્યા છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં રાહદારનાં પ્લોટ પર બાંધવામાં આવેલા મકાનોની વેચાણ મંજૂરી પર રોક લાગી ગઈ છે. જેનાં કારણે પ્રોપર્ટી ધારક પોતાની જ પ્રોપર્ટી વેચી શકતો નથી.
કોર્ટમાં મેટર પેન્ડીંગ હોવાથી વેચાણ મંજૂરી અટવાઈ
ગાંધીનગરમાં વસતાં કર્મચારીઓ વય નિવૃતિનાં પોતાના વતન સહિતના અન્ય સ્થળોએ સ્થાયી થવા માંગતા હોવા ઉપરાંત ઘણા લોકો પ્રોપર્ટી વેચીને સંતાનોને ભાગ આપવા પણ ઈચ્છી રહ્યા છે. પરંતુ લાંબા સમયથી કોર્ટમાં મેટર પેન્ડીંગ હોવાના કારણે ગાંધીનગરમાં રાહદારનાં પ્લોટ પર બાંધવામાં આવેલા મકાનો વેચાણ મંજૂરી અટવાઈ પડી છે.
આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચતી કરાશે
આ મુદ્દે વયનિવૃત કર્મચારીઓ અને 18 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની ખાસ બેઠક ઉમિયા મંદિર મળી હતી. જેમાં વેચાણ મંજૂરી માટે રાજયપાલ, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુધી આવેદનપત્ર આપી સત્વરે વેચાણ મંજૂરી આપવા માટે માંગણી કરવાનું નક્કી કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.