તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શેરથાથી વાયા ટીંટોડાથી આદરજ મોટી ગામને જોડતો ડામર રોડ બનાવવા માંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષથી માર્ગ પરના ખાડાથી થયેલા અકસ્માતોથી વાહનચાલકો પરેશાન
  • તાકિદે આ માર્ગ ઉપર પેવરકામની કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાથે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી

જિલ્લાના શેરથાથી વાયા ટીંટોડાથી આદરજ મોટી ગામને જોડતા માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. માર્ગ ઉપર પડેલા ખાડાથી નાના મોટા અકસ્માતનો ભોગ વાહન ચાલકો પડી રહ્યા છે. આ માર્ગની ઉપર ડામરકામ કરવામાં નહી આવતા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

દેશના વિકાસશીલ રાજ્યના પાટનગરના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ખખડધજ બની ગયા હોવા છતાં તેના ઉપર ડામર કામ કરવામાં આવતું નથી. આથી માર્ગનો ઉપયોગ કરતા આસપાસના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી સ્થિતિ જિલ્લાના ગાંધીનગર તાલુકાના શેરથા ગામથી ટીંટોડાથી વાયા આદરજ મોટી તરફનો માર્ગ છેલ્લા એક વર્ષથી ભંગાર જેવી હાલત થઇ જવા પામી છે. તેમ છતાં માર્ગ ઉપર પેવરકામ કરવામાં નહી આવતું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કરી રહ્યા છે. તેમાંય શેરથાથી ટીંટોડાના માર્ગ માત્ર એક જ વર્ષમાં તૂટી જવાથી ગ્રામજનો પારવારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આથી આ માર્ગની ઉપર ડામર કામ કરવાની માંગણી સાથે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરે માંગણી કરી છે.

છેલ્લા એક વર્ષથી ઉબડ ખાબડ બનેલા માર્ગની ઉપર ડામર કામ કરવાની અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં તેનો કોઇ જ ઉકેલ નહી આવતા માર્ગ ઉપરથી પસાર થવું ગ્રામજનો માટે સાત કોઠા વિંધવા સમાન કપરૂ બની રહ્યું છે.

ઉપરાંત આ માર્ગ રૂપાલ ગામને જોડતો હોવાથી દર પૂનમ અને રવિવારે વરદાયની માતાજીના દર્શનાર્થે જતા અનેક ગ્રામજનોમાં રોડની હાલતને જોતા રોષ ઉઠવા પામ્યો છે. આથી તાકિદે આ માર્ગ ઉપર પેવરકામ કરવામાં આવે તેવી માંગણી સાથે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...