મુસાફરોની મુશ્કેલી દુર કરવા પ્રયાસ:સરકારના જાહેર મેળાવડામાં જનમેદની લાવવા લઈ જવા એસ.ટીની જગ્યાએ લકઝરી બસોની વ્યવસ્થા કરવા માંગ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ

સરકારના જાહેર કાર્યક્રમોમાં જનમેદનીને લાવવા લઈ જવા માટે એસ.ટી બસોનો ઉપયોગ કરવામાં આવતાં મુસાફરો રઝળી પડતાં હોવાથી ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખી આવા કાર્યક્રમો માટે લકઝરી બસોનો ઉપયોગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સરકાર દ્વારા યોજવામાં આવતા જાહેર કાર્યક્રમોમાં જનમેદનીને લાવવા લઈ જવા માટે હમેશાં રાજ્યના જે તે એસ.ટી ડિવિઝનમાંથી બસો ફાળવવામાં આવતી રહેતી હોય છે. જેનાં કારણે રોજીંદી મુસાફરી કરતા નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના મુસાફરો પણ બાકાત રહેતા નથી. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગાંધીનગર શહેર વસાહત મહા સંઘ દ્વારા જનમેદનીને લાવવા લઈ જવા માટે લકઝરી બસોનો ઉપયોગ કરવા માટે વાહન વ્યવહાર કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી છે. આ અંગે વસાહત મહા સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે કે, ગુજરાતની મુખ્ય રાજધાની ગાધીનગર શહેર છે. આથી જાહેર રજાઓ સિવાય અન્ય જિલ્લા કચેરીઓમાંથી પોતાના કામ માટે દરરોજ હજારો નાગરિકો જે તે કચેરીઓમાં અધિકારીઓ, મંત્રીઓને મળવા પોતાના વાહનો અથવા એસ ટી બસમાં આવતાં હોય છે. આ ઉપરાંત ગાધીનગર શહેરના નાગરિકો દ્વારા પણ પોતાના ધંધા તેમજ અન્ય સ્થળોએ નોકરી અને પોતાના અંગત કામ માટે એસ. ટી બસનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ઉપરાંત વિધાર્થીઓ ભણવા તથા યુવાનો નોકરી ધંધા અર્થે દરરોજ એસ.ટી બસમાં મુસાફરી કરતા હોય છે. હવે ચૂંટણીને આડે છ માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા સરકારી ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત, લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરવા માટે રાજ્યની મોટા ભાગની એસ. ટી બસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાં કારણે રોજીંદી મુસાફરી કરતાં નાગરિકોને એક સ્થળે થી બીજી જગ્યાએ જવા માટે ખાનગી ટ્રાન્સપોર્ટ વાહનોનો નાછૂટકે સહારો લેવો પડે છે. જેનાં માટે આર્થિક નુકશાની પણ વેઠવી પડી રહી છે.

સભાઓમાં જનમેદની એકઠી કરવા રાષ્ટ્રીય સંપત્તિ નિગમની એસટી બસોનો ઉપયોગ કરવામાં આવે છે અને પ્રજાને હાલાકી ભોગવવાનો વખત આવે છે. આથી સરકાર દ્વારા મેદની એકઠી કરવા માટે સરકારી એસ.ટી બસોની જગ્યાએ ખાનગી લકઝરી ઓનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગણી રાજ્ય વાહન વ્યવહાર કમિશનર સમક્ષ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...