બદલીઓનો ગંજીફો:DEO અને DPEOની બદલીમાં મલાઇદાર જગ્યા ખાલી રખાતાં ચર્ચા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના ભરાયા અને મોટા જિલ્લામાં ખાલી જગ્યા નહીં ભરાતા બદલીનો બીજા રાઉન્ડની શક્યતા

રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પરંતુ રાજ્યના મોટા મોટા જિલ્લાઓમાં ડીઇઓ અને ડીપીઇઓની જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. જ્યારે નાના જિલ્લાઓમાં ડીઇઓ અને ડીપીઇઓની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. આથી બદલીઓનો હજી એક રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. દિપાવલી પર્વોમાં જ રાજ્યના શિક્ષણ વિભાગે 24 જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલીઓ કરતા કહીં ખૂશી કહીં ગમની સ્થિતિ જોવા મળી રહી છે.

જોકે સામે વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને બદલીઓ કરવામાં આવી હોય તેમ રાજ્યના નાના જિલ્લાઓમાં ડીઇઓ અને ડીપીઇઓની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જ્યારે મોટા મોટા જિલ્લાઓમાં ડીઇઓ કે ડીપીઇઓની જગ્યાઓ ખાલી રાખવામાં આવતા શિક્ષણ આલમમાં ચર્ચા ઉઠવા પામી છે. મોટા મોટા મલાઇદાર જિલ્લાઓ ખાલી રાખીને કયું ગણિત દિપાવલી પર્વોમાં પૂરૂ કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. રાજ્યના મોટા મોટા જિલ્લાઓમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સૂરત, દાહોદ, જામનગર જિલ્લાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી કરવામાં આવી નથી.

આથી આ જિલ્લાઓમાં ઇન્ચાર્જમાં ચલાવવામાં આવશે કે પછી માનીતાઓને મલાઇદાર જગ્યાઓએ બદલીઓ કરવામાં આવશે તેવી ચર્ચા શિક્ષણ આલમમાં ઉઠવા પામી છે. જ્યારે બીજી તરફ જામનગર, નવસારી સહિતના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરીને ભરવામાં આવી નથી. આથી રાજ્યના શિક્ષણ વિભાગની આવી બે-ધારી નિતીને પગલે શિક્ષણ આલમમાં ચર્ચાએ જોર મચાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...