સંશોધન:અમરેલીની કોલેજે બનાવેલી ડીપ સ્ટિક દૂધમાં 8 પ્રકારની ભેળસેળ શોધી શકશે

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધમાં યુરિયા સહિતની 20થી વધુ પ્રકારની ભેળસેળ કરાય છે
  • ICARની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ડીપ સ્ટિકને પ્રથમ ક્રમાંક

ખુલ્લા દૂધમાં ભેળસેળ અને નકલી દૂધનું પ્રમાણ ક્યારેક આવી જાય છે ત્યારે તેનાથી બચવા અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્સે નેનો ટેક્નોલોજી આધારિત ડીપ સ્ટિક શોધી છે. દૂધની 8 પ્રકારની ભેળસેળને ગણતરીની સેકન્ડમાં પકડી પાડતી હોવાથી આ શોધને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ-ICAR તરફથી ક્રિતજ્ઞ હેકેથોન 2.0 સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, દૂધમાં સ્ટાર્ચ, યુરિયા, ડિટર્જન્ટ, બોરિક એસિડ, હાઈડ્રોજન પ્ર્રોક્સાઇડ, એમોનિયમ સલ્ફેટ વગરે અંદાજે 20થી વધારે પ્રકારની ભેળસેળ હોઈ શકે છે. દૂધમાં બે રીતે ભેળસેળ કરાતી હોય છે, જેમાં પાઉડરની મદદથી સિન્થેટિક દૂધ તૈયાર કરાય અથવા સામાન્ય દૂધમાં યુરિયા, બોરિક એસિડ, સ્ટાર્ચ વગેરે ઉમેરવામાં આવે છે. આમ કરવાથી દૂધનું વજન વધી જાય અને આવક પણ વધે છે, પરંતુ આવા પદાર્થોથી દૂધમાં ભેળસેળ કરાતા માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેને અટકાવવા ડીપ સ્ટિક સંશોધન મદદરૂપ થશે.

તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ-ICAR તરફથી ક્રિતજ્ઞ હેકેથોન 2.0 સ્પર્ધાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરાયું હતું, જેમાં દેશમાંથી 1974 સ્પર્ધકે ભાગ લીધો હતો. તેમાં ડીપ સ્ટિક સંશોધનને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...