ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની અને મધ્યપ્રદેશની 28 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. બંને રાજ્યોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
તારીખ | પ્રક્રિયા |
9 ઓક્ટોબર | જાહેરનામુ બહાર પડશે |
16 ઓક્ટોબર | ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ |
17 ઓક્ટોબર | ઉમેદવારી ફોર્મની ચકાસણી |
19 ઓક્ટોબર | ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે |
3 નવેમ્બર | મતદાન |
10 નવેમ્બર | મતગણતરી |
કઈ બેઠક પરથી કયા ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ બે તબક્કામાં 8 બેઠક ખાલી થઇ છે.
કોંગ્રેસે ઉમેદવારો પસંદ કરવા બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપી
ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે, કોંગ્રેસ દ્વારા આ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠકદીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઇકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.
ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દો પર કોંગ્રેસની રણનીતિ
હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ, ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે, એને ધ્યાનમાં રાખીને પેટાચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઊપડ્યો છે. એવા સંજોગોમાં વધુ ને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહી છે.
આઠેય બેઠક પૈકીના પાંચ બેઠકના ઉમેદવારો મોટે ભાગે નિશ્ચિંત
ભાજપના આગેવાનોની કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કૃષિ બિલના સંદર્ભે ગામડે-ગામડે જઈ ખાટલા બેઠક કરવામાં આવશે. આ બેઠકોને પરિણામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં પ્રચારને ખાળશે. તો વિધાનસભાની આઠેય બેઠક પૈકીની પાંચ બેઠકના ઉમેદવારો મોટે ભાગે નિશ્ચિંત છે, જયારે બાકીની બેઠકો પર નામની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશની 28 બેઠકો પર પેટા ચૂંટણી
મધ્યપ્રદેશની 28 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.ચૂંટણી પંચે 56 બેઠકો માટે પેટા-ચૂંટણીનો કાર્યક્ર્મ નક્કી કર્યો છે. મધ્યપ્રદેશની 28 બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે. જ્યારે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. મધ્યપ્રદેશમાં પેટા-ચૂંટણીઓની જાહેરાત બિહારની ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે થઈ નહોતી. ત્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે 29 સપ્ટેમ્બરની બેઠકમાં પેટાચૂંટણીઓને લઈને નિર્ણય લેવામાં આવશે.
મધ્યપ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપ પોતાની સત્તા બચાવવા અને કોંગ્રેસ નેતા કમલનાથ છ મહિના પહેલા ગુમાવેલી સત્તા ફરીથી મેળવવા માટે લડાઈ લડી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની સાખ દાવ પર લાગેલી છે, કારણ કે જે 28 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, 16 બેઠકો સિંધિયાના પ્રભાવના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.